પ્રાકૃતિક ખેતી ક્ષેત્રોમાં નવીનતા લાવનાર, ઉત્પાદન વધારનાર અને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બનનાર ખેડૂતોને, રાજ્ય કક્ષાના ‘આત્મા એવોર્ડ’થી નવાજવામાં આવે છે.
ભરૂચ – મંગળવાર – પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ખેડૂતો સમૃદ્ધ બને, તેમની આવક બમણી થાય તે માટે વિવિધ યોજનાકીય પરિવર્તન લાવી રહ્યા છે. હવે ખેડૂતની આવક બમણી નહીં પણ ત્રણ ઘણી થઈ શકે તેના માટે મૂલ્યવર્ધક પ્રાકૃતિક ખેતીએ ખેડૂતોમાં નવી આશા જગાવી છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતનો તાત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છે. જેનાં પરિણામે આ પદ્ધતિ સાથે સંકળાયેલા ખેડૂતો આજે લગભગ નજીવા ખર્ચે સારી એવી ખેત પેદાશ મેળવી રહ્યા છે. આજે વાત કરીએ, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામના રાજ્ય કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર્સનો એવોર્ડ મેળવનાર યુવા ખેડૂત શ્રી પંકજ પટેલની, કે જેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા ત્રિગુણી આવક મેળવી રહ્યા છે. તેઓ પોતાની સફર વિષે જણાવે છે કે, છેલ્લા સાત વર્ષથી ખેતરમાં સફળતા પૂર્વક પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. હાલ જંગલ ફાર્મિંગથી એકસાથે બાગાયતમાં વિવિધ ફળપાક, વિવિધ પ્રકારની શાકભાજી, કઠોળ, ફુલ, વગેરેનું આંતરપાક (ઈન્ટરક્રોપ ) લઈ સિઝન પ્રમાણે દર મહિને નજીવા ખર્ચથી મબલક ઉત્પાદન અને આવક મેળવી રહ્યા છે. સાથે જ પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી જરૂરી સંસાધનો BRC વિતરણ યુનિટ વિકસાવી વધારાની આવક મેળવી રહ્યા છે.
કેન્દ્રીય આત્મા એવોર્ડ સમિતિ દ્નારા રાજ્ય કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર્સનો એવોર્ડ ૨૦૨૩-૨૪ થી ભરૂચ જિલ્લાના ભોરભાઠા ગામના પંકજ પટેલને સન્માનિત કરાયા છે. આ પ્રકારનો એવોર્ડ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રોમાં નવીનતા લાવનાર, ઉત્પાદન વધારનાર અને બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બનનાર ખેડૂતોને આ એવોર્ડ આપવામાં આવે છે. ગુજરાત સરકારના આત્મા વિભાગ દ્નારા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામના આત્મા ખેડૂતશ્રી પંકજ પટેલ રૂા. ૫૦,૦૦૦ હજારની રકમ અને સન્માનપત્ર તેમને એનાયત કરવામાં આવ્યો હતો. એમાં પણ વળી જિલ્લાના વડા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા પણ જ્યારે ખેડૂતો વચ્ચે જઈ પ્રાકૃતિક કૃષિ કરવા પ્રોત્સાહિત કરતા હોય ત્યારે ખેડૂતોનો ઉત્સાહ અને વિશ્વાસ બંને આપોઆપ વધી જાય છે. તેઓ જણાવે છે કે આત્માના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન થકી, તેઓએ પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી હતી. સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા પોતાની જમીનનો સુધાર અને પાકની ગુણવત્તામાં થતો ઉત્તરોઉત્તર વધારાને કારણે પોતાના આ નિર્ણયથી આજે પ્રાકૃતિક કૃષિ અપનાવી હું ખૂબ જ ખુશ છું. રાસાયણિક ખેતીને ત્યજીને પ્રાકૃતિક કૃષિ અપનાવી અન્ય ખેડૂતોમાં દાખલારૂપ બનવા બદલ રાજ્યકક્ષાના બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.
પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે તેઓ જણાવે છે કે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા તેમના ૩.૧૫ વીઘા જમીનમાં ખેતી માટે જરૂરી જીવામૃત અને અન્ય પોષક તત્વો પૂરા પાડીને આ ખેતીનો આધાર બની છે. તેઓ ઈન્ટરક્રોપ કરે છે જેમાં વિવિધ ફળપાકો, અને શાકભાજીનું વાવેતર કર્યું છે. તેમના ખેતરમાં જેકફ્રુટ, કેળ, આંબાની વિવિધ જાતો, લીંબુની કુંભઘાટ, કેળા ( રેડ બનાના), આંબળા,આવાકાળો, ગુંદા, જાંબુ (રેડ, પિન્ક અને વાઈટ જાત), કમલમ, મોસંબી, ચેરી, દાડમ, શેતુર,પપૈયા, સરગવા સાથે ઓષધિય ઝાડો પણ આવેલા છે. આ તમામ ફળપાક સાથે સીઝનલ ખેતીમાં વિવિધ તમામ પ્રકારના શાકભાજી, કઠોળ પાક, ગુલાબ, ગલગોટા, સહિતના આંતરપાક કરી જંગલ – મોડલ ફાર્મના નિયમ પ્રમાણે પ્રાકૃતિક ખેત પદ્ધતિથી શૂન્ય ખર્ચે મબલખ પાક મેળવી વિવિધતા જ આપણી તાકત, જંગલ ફાર્મિંગથી બારેમાસ આવક એમ ભારપૂર્વક તેમણે જણાવ્યું હતું. આજુબાજુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેના જરૂરી સંસાધનો મળી રહે તે માટે BRC વિતરણ યુનિટ તેમણે વિકસાવ્યો છે. બીજામૃત, ઘન-જીવામૃત, નીમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવા ઇનપુટ્સ બનાવી સરકારી ઘારાધોરણ પ્રમાણે વેચાણ કરી વધારાનો નફો મેળવી રહ્યા છે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપી જીવામૃત બનાવવા તથા તેના વિતરણ માટે માળખાકીય સુવિધાઓ વધારવા સરકાર દ્નારા વાર્ષિક સહાય પણ આપવામાં આવે છે. તે સહાય પણ મેળવી પ્રાકૃતિક ખેતીની દિશામાં પ્રોત્સાહિત કરી હવે અન્ય ખેડૂતોને તેઓ પ્રોત્સાહન પુરું પાડી રહ્યા છે. આ સાથે જ તેઓ પોતાના ખેતરમાં પપૈયાના પાક અંગે તેઓ જણાવે છે કે, કોઈપણ રાસાયણિક છંટકાવ કે ખાતર વગર માત્ર દશપર્ણીના છંટકાવથી આ વર્ષે પપૈયાનો પાક વધુ સારો રહ્યો છે. દશપર્ણીના છંટકાવને કારણે આ વર્ષે ફ્લાવરિંગ પણ સારું થવા સાથે જીવતો કે સડો પણ લાગ્યો નથી. સામાન્ય કરતાં પ્રાકૃતિક ખેતી થકી પકવેલા શાકભાજી, ફળો, અનાજ અને કઠોળનો ભાવ પણ તેમને સારો મળી રહ્યો છે. તેઓ ઉમેરે છે કે, જમીનની સપાટી પાકના અવશેષોથી ઢાંકવાને આવરણ કહે છે. તેનાથી પાણીની બચત થાય છે અને જમીનમાં કાર્બન પણ ટકી રહે છે. જેથી જમીનની ઉત્પાદકત્તા વધે છે. આવરણ હવામાંથી ભેજ લઈને છોડને આપે છે. જેથી સૂક્ષ્મ પર્યાવરણનો વિકાસ થાય છે. અને દેશી અળસિયાઓની સક્રિયતા વધી જાય છે. દેશી અળસિયા પોતાનું મળ જમીન પર છોડે છે. જ્યાં સહયોગી પાક, આવરણ (મલ્ચીંગ) અને સૂક્ષ્મ પર્યાવરણની ઉપયોગીતા અગત્યનો ભાગ ભજવે છે. છેલ્લા ૭ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી હોવાથી ખેતરની જમીન પણ ખૂબ જ ફળદ્રુપ બને છે, અને એના કારણે જ આજે તેઓ સહર્સ જણાવે છે કે, તેમને માત્ર આ એક પપૈયા અને કેળના પાકમાં આ એક વર્ષમાં અંદાજિત ૪ લાખ જેટલો ચોખ્ખો નફો થયો છે. પ્રેરણાદાયી પ્રયત્નોને આત્મા પ્રોજેક્ટ દ્વારા પણ સહકાર મળ્યો છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરી પોતાના જીવનમાં ઉતારીને પુરવાર કર્યું છે તેમના ખેતરમાં બનાવેલું ‘મોડેલ ફાર્મ’ એ વાતનો જીવંત પુરાવો છે. તેમના સફળ પ્રયોગોના કારણે તેમના ફાર્મને આત્મા દ્વારા ‘મોડેલ ફાર્મ’ તરીકે ઓળખ આપી છે. અત્યાર સુધીમાં ૨૦૦૦ થી વધુ લોકોએ આ મોડેલ ફાર્મની મુલાકાત લીધી છે અને ખેતીની નવીન પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી છે. તેમના સફળ પ્રયોગોના કારણે તેમના ફાર્મને આત્મા દ્વારા ‘મોડેલ ફાર્મ’ તરીકે ઓળખ આપી છે. સાથે જ તેઓ ઉમરે છે કે, ચોખ્ખું પ્રાકૃતિક કૃષિ થકી પકવેલું અનાજ અને શાકભાજી ખાવું અને ખવડાવવું એ એક ધરતીપુત્ર તરીકે તેમના જીવનનો મૂળ મંત્ર બની ગયો છે.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.