Nari Prahar

Blog

  • ભરૂચ જિલ્લામાં ભયજનક જળાશયોમાં પ્રવેશ પર 60 દિવસનો પ્રતિબંધ..!!

    ભરૂચ જિલ્લામાં ભયજનક જળાશયોમાં પ્રવેશ પર 60 દિવસનો પ્રતિબંધ..!!

    ભરૂચ – શુક્રવાર: ભરૂચ જિલ્લામાં નદી, તળાવ, નહેર, દરિયા સહિતનાં ભયજનક જળાશયોમાં બનતી અનિચ્છનીય ઘટનાઓને અટકાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

    ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 163 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને જિલ્લાના જાહેરનામામાં સમાવિષ્ટ ભયજનક જળાશયોમાં કોઈપણ વ્યક્તિ કે પ્રવાસીએ પ્રવેશ કરવો નહીં તેવો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    ગૃહ વિભાગ, ગાંધીનગરની સૂચના અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકના હકારાત્મક અભિપ્રાયને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    જાહેરનામા મુજબ હુકમની તારીખથી 60 દિવસ સુધી પ્રતિબંધ અમલમાં રહેશે. જળાશયોમાં પ્રવેશને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે.

    જોકે, જાહેરનામામાં માછીમારી સાથે સંકળાયેલા લોકોને તેમજ સરકારી ફરજ પર રોકાયેલા કર્મચારીઓને બાકાત રાખવામાં આવ્યા છે. પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલથી નીચેની કક્ષાના ન હોય તેવા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

    જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકો અને પ્રવાસીઓને જાહેરનામાનું પાલન કરવા તેમજ ભયજનક જળાશયોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે, જેથી કોઈ જાનહાનિ કે દુર્ઘટના સર્જાય નહીં.

    આ અંગેની માહિતી જિલ્લા મેજિસ્ટ્રેટ, ભરૂચ દ્વારા પ્રસિદ્ધ અખબારી યાદીમાં આપવામાં આવી છે.

  • કઠલાલ પોલીસે બોગસ પત્રકારો સામે કરી કાર્યવાહી, ખંડણી માગવાના અને વેપારીને માર મારવાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા..

    કઠલાલ પોલીસે બોગસ પત્રકારો સામે કરી કાર્યવાહી, ખંડણી માગવાના અને વેપારીને માર મારવાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા..

    અનાજના ગોડાઉનનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂ. ૪૦ હજારની માગણી કર્યાનો આક્ષેપ, એક આરોપી હજુ ફરાર..!!

    કઠલાલ, ખેડા: કઠલાલ તાલુકાના પીઠાઈ ગામે વેપારી પાસે પત્રકાર તરીકેની ઓળખ આપી ખંડણી માગવા અને માર મારવાના બનાવમાં કઠલાલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

    પોલીસની પ્રેસનોટ મુજબ, તા. ૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ૧૧૨ જનરક્ષક પોલીસ વાન મારફતે ફરિયાદી અને સામાવાળાને કઠલાલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.

    ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે પીઠાઈ ગામે આવેલી પોતાની અનાજની દુકાનના ગોડાઉન પર આવેલા ત્રણ શખ્સોએ પોતે પત્રકાર હોવાનું જણાવી ગોડાઉનનો વીડિયો ઉતાર્યો હતો.

    ત્યારબાદ સરકારી અનાજના વેચાણ અંગે વીડિયો વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપી હતી. વીડિયો વાયરલ નહીં કરવા અને સમાચાર નહીં છાપવા બદલ ત્રણેય શખ્સોએ રૂ. ૪૦,૦૦૦ની માગણી કરી હોવાનો આક્ષેપ છે.

    આ ઉપરાંત ફરિયાદીને લાતો મારી ઇજા પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખેડા-નડિયાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ તથા કપડવંજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.એન. સોલંકીના માર્ગદર્શન હેઠળ કઠલાલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. ગોહિલની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

    પોલીસે આ કેસમાં સંજય રાજનારાયણ પાંડે (ઉંમર ૨૪) અને મધુબેન રાજારામ કુરિલ (ઉંમર ૪૨)ની ધરપકડ કરી છે. જ્યારે અંકિતભાઈ મહેશભાઈ વ્યાસ (ઉંમર ૩૫), રહે. નિકોલ, અમદાવાદને પકડવાના બાકી આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.

    તપાસ દરમિયાન આરોપીઓ પાસે સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલું કોઈ ઓળખપત્ર ન હોવાનું પણ પોલીસની પ્રેસનોટમાં જણાવાયું છે.

    પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૨ લાખની કિંમતની ફિયાટ કાર, ત્રણ મોબાઇલ ફોન, બે પ્રેસ આઈકાર્ડ, એક વિઝિટિંગ કાર્ડ અને એક પ્રેસ માઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

    આ મામલે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૧૯(૧), ૩૦૮(૨), ૩૫૧(૨) અને ૫૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

  • ભરૂચ પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર ખાતે વિશ્વ કપાસ (કોટન) દિવસની ઉજવણી કરાઈ..

    ભરૂચ પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર ખાતે વિશ્વ કપાસ (કોટન) દિવસની ઉજવણી કરાઈ..

    ભરૂચ : શુક્રવાર : જિલ્લામાં મોટી માત્રામાં ખેડૂતો કપાસની અવનવી જાતના કપાસનું વાવેતર કરી તેનું ઉત્પાદન કરે છે.૭મી ઓક્ટોબરના રોજ વિશ્વ કપાસ(કોટન)દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

    નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત ભરૂચ સ્થિત પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર (RCRS) ખાતે ૭ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ ‘વિશ્વ કપાસ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

    આ કાર્યક્રમ દરમિયાન પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર, ભરૂચના સંશોધન વૈજ્ઞાનિક અને વડા ડૉ. કે. વી. વડોદરિયાએ “વિશ્વ કપાસ દિવસ”ના મહત્વ વિશે વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું.

    તેમણે દેશમાં કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં કપાસના મહત્વ પર પ્રકાશ પાડતાં કપાસની ખેતી, સંશોધન અને કપાસના વિવિધ ઉપયોગો અંગે માહિતી આપી હતી. તેમણે વર્ષ ૧૯૧૩માં સ્થપાયેલા ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના ઇતિહાસ અને કપાસ સંશોધનમાં કેન્દ્રની ભૂમિકા અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી.

    આ પ્રસંગે કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના આચાર્ય ડૉ. ડી. ડી. પટેલ અને કૃષિ પોલિટેકનિક, નકૃયુ, ભરૂચના ના આચાર્ય ડૉ. એ. ડી. રાજ ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ કપાસ દિવસ નિમિત્તે પ્રસંગોપાત ઉદબોધન કર્યું હતું

    આ કાર્યક્રમ બાદ, કપાસના મહત્વ અને માનવજીવનમાં તેના યોગદાન અંગે જાગૃતિ લાવવા માટે તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા ‘વિશ્વ કપાસ દિવસ’ના બેનર અને સૂત્રો લખેલા પ્લેકાર્ડ સાથે રેલી યોજવામાં હતી. ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રની મુલાકાત કરાવવામાં આવી હતી.

    આ દરમિયાન વૈજ્ઞાનિકો દ્વારા કેન્દ્ર ખાતે હાથ ધરવામાં આવતી વિવિધ સંશોધન પ્રવૃત્તિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કપાસની વિવિધ જાતો, કપાસ પાક પરના વિવિધ અખતરાઓ, સાંકડા ગાળે વાવેતર પધ્ધતિના અખતરા, કપાસની વિવિધ પ્રજાતિઓ, જર્મપ્લાઝમ સંગ્રહ તેમજ કપાસ અને તુવેરની જાતોના બીજ ઉત્પાદન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

    વિદ્યાર્થીઓએ કપાસ અંગેના તેમના પ્રશ્નોના નિરાકરણ માટે અધ્યાપકો સાથે સંવાદ પણ કર્યો હતો. આ વિશેષ પ્રસંગે પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર અને કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો સહિત કુલ ૧૦૦થી વધુ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

  • ભરૂચની ભારતી વિદ્યા મંદિર શાળા ખાતે આપત્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

    ભરૂચની ભારતી વિદ્યા મંદિર શાળા ખાતે આપત્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

    આગ, પૂર, ભૂકંપ અને વાવાઝોડા જેવી આપત્તિઓમાં સલામતીના પગલાં અંગે વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન..!!

    ભરૂચ – શુક્રવાર: વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અને સલામતી અંગે જાગૃતિ કેળવવાના હેતુથી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમ દ્વારા તા. ૮ ઓક્ટોબરના રોજ ભરૂચની ભારતી વિદ્યા મંદિર શાળા ખાતે આપત્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    કાર્યક્રમ દરમિયાન DPO શ્રી વારીસ એન. ઘડીયાળી તથા લીડિંગ ફાયર ઓફિસર શ્રી સાવનભાઈ ભરવાડે વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફને વિવિધ કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓના સમયે રાખવાની સાવચેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

    આગ લાગવાની પરિસ્થિતિમાં ગભરાયા વિના સમયસૂચકતા વાપરી સુરક્ષિત સ્થળે પહોંચવું, ફાયર એક્સ્ટિંગ્વિશરનો યોગ્ય ઉપયોગ કરવો, ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવી અને આગ દરમિયાન જરૂરી સાવચેતી રાખવી જેવી બાબતો સમજાવવામાં આવી હતી.

    પૂર જેવી પરિસ્થિતિમાં પાણીના તેજ પ્રવાહમાં જવાનું ટાળવું અને સુરક્ષિત ઊંચાણવાળા સ્થળે આશ્રય લેવો જોઈએ તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

    ભૂકંપની પરિસ્થિતિમાં મજબૂત ટેબલ નીચે આશ્રય લઈને માથા અને ગરદનને સુરક્ષિત રાખવા તેમજ ધ્રુજારી બંધ થયા બાદ સાવચેતીપૂર્વક ખુલ્લા મેદાનમાં જવા અંગે સમજ આપવામાં આવી હતી.

    જ્યારે વાવાઝોડા દરમિયાન સુરક્ષિત મકાનમાં રહેવું, બારીઓથી દૂર રહેવું તથા વીજળીના થાંભલા અને વૃક્ષોથી અંતર જાળવવા અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

    આ ઉપરાંત, આપત્તિના સમયે ગભરાયા વિના શાંતિ જાળવવી, વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવું કેટલું જરૂરી છે તે અંગે પણ સમજ આપવામાં આવી હતી.

    આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓએ આપત્તિના સમયે પોતાની તેમજ અન્ય લોકોની સલામતી માટે જરૂરી પગલાં અંગે મહત્વપૂર્ણ જાણકારી મેળવી હતી.

    જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમના આ પ્રયાસથી શાળામાં આપત્તિ સજ્જતા, સલામતી અને જાગૃતિની ભાવનાને પ્રોત્સાહન મળ્યું હતું.

  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: સોના-ચાંદીના નામે છેતરપિંડી કરનાર બે આરોપી ઝડપાયા.

    અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: સોના-ચાંદીના નામે છેતરપિંડી કરનાર બે આરોપી ઝડપાયા.

    ચાંદીના વાસણો બનાવી આપવા અને સારા નફાની લાલચ આપી લોકો સાથે રૂ. ૨૭.૬૮ લાખની છેતરપિંડીનો આક્ષેપ, રૂ. ૯.૦૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે..!!

    અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોના-ચાંદીના વ્યવહાર અને બુકિંગના નામે લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાના કેસમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

    પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. ૯,૦૮,૯૪૫ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી ઉમેશ નારાયણદાસ ચેલાણી અને નારાયણદાસ ભુગડોમલ ચેલાણીએ અગાઉથી નક્કી કરેલા કાવતરાના ભાગરૂપે ચાંદીના વાસણો બનાવી આપવાની અને સારો નફો કરાવી આપવાની લાલચ આપી હતી. આ રીતે ફરિયાદી પરષોત્તમ ટીલુમલજી પોમલ, જેઓ સોનીનો વ્યવસાય કરે છે, તેમની પાસેથી ચાંદી તથા ચાંદીની ખરીદીના બુકિંગ પેટે રોકડ રકમ મેળવવામાં આવી હતી. ઉપરાંત, અન્ય સાહેદ પાસેથી સોનાના બિસ્કિટ તથા ચાંદીના બુકિંગ પેટે પણ રૂપિયા લેવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ પ્રેસનોટમાં કરવામાં આવ્યો છે.

    આરોપીઓએ સોના-ચાંદીના દાગીના બનાવી ન આપ્યા હોવાની તેમજ ફરિયાદી અને સાહેદ પાસેથી મેળવેલી રોકડ રકમ અને સોના-ચાંદી પરત ન કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.

    પોલીસના જણાવ્યા મુજબ , આ વ્યવહારમાં કુલ રૂ. ૨૭,૬૮,૦૦૦ની કિંમતની સોના-ચાંદીની વસ્તુઓ અને રોકડ રકમ સંકળાયેલી હતી.

    આ મામલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૬માં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૨), ૩૧૬(૫) અને ૬૧ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

    પોલીસે ઉમેશ નારાયણદાસ ચેલાણી (ઉંમર ૪૩ વર્ષ) અને નારાયણદાસ ભુગડોમલ ચેલાણી (ઉંમર ૬૬ વર્ષ), બંને રહે. બંગલા નંબર ૬૯, બંગલા એરિયા, કુબેરનગર, સરદારનગર, અમદાવાદ શહેર,ની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીના પગલે સોના-ચાંદીના વ્યવહારમાં નફાની લાલચ આપી છેતરપિંડી કરતા તત્ત્વો સામે પોલીસની કાર્યવાહી ફરી ચર્ચામાં આવી છે.

  • અમદાવાદમાં ઘરઘાટીની ચોરીનો પર્દાફાશ: રૂ. 35 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો..

    અમદાવાદમાં ઘરઘાટીની ચોરીનો પર્દાફાશ: રૂ. 35 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો..

    કાપડના વેપારીના ઘરે ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરનાર ઘરઘાટીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો..

    અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે કાપડના વેપારીના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતી વખતે દાગીના અને રોકડ રકમની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

    આરોપી પાસેથી સોનાના દાગીના, રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 35,06,363નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

    પોલીસના જણાવ્યા મુજબ, ગત તા. 29 ઓગસ્ટ, 2026ના રોજ બપોરના સમયે વેપારીના ઘરે કોઈ હાજર ન હોવાનો લાભ લઈને ઘરઘાટી કમલેશ નામના શખસે બેડરૂમમાં રાખેલી તિજોરીમાંથી દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી.

    આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.આ ગુનાની તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ, આરોપીના ગુનાહિત ઇતિહાસ તેમજ ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી.

    તપાસમાં આરોપીની ઓળખ જયંતીલાલ ઉર્ફે કમલેશ ઉર્ફે રમેશ ઉર્ફે વિનોદ ખેતમલ છુંનીલાલ ઓસવાલ (જૈન), ઉંમર 33 વર્ષ તરીકે થઈ હતી. ત્યારબાદ તેને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

    પોલીસે આરોપી પાસેથી રૂ. 33,52,563ના સોનાના દાગીના, રૂ. 1,43,800 રોકડા અને રૂ. 10,000નો મોબાઇલ ફોન મળી કુલ રૂ. 35,06,363નો મુદ્દામાલ કબજે કર્યો છે.

    આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ શાહીબાગ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

    પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સામે અગાઉ સુરતના ખટોદરા અને ઉમરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત, તેની સામે પાસા હેઠળની કાર્યવાહીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    આમ, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઘરઘાટીની આ ચોરીના ગુનામાં આરોપીને ઝડપી પાડી મહત્વપૂર્ણ કામગીરી કરી છે.

  • અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ડિટેઇન કરેલા વાહનો છોડાવવા અંગે ૭ દિવસમાં કાર્યવાહી નહીં થાય તો કરાશે હરાજી.

    અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ડિટેઇન કરેલા વાહનો છોડાવવા અંગે ૭ દિવસમાં કાર્યવાહી નહીં થાય તો કરાશે હરાજી.

    ભરૂચ – બુધવાર – આથી વાહનના માલીકો/વીમા કંપની/ફાયનાન્સ કંપનીઓ વગેરેનાઓને જણાવવાનુ કે,અત્રેના અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે MV-ACT કલમ ૨૦૭ મુજબના કામે વાહનો કબ્જે (ડીટેઇન) કરવામાં આવેલ.

    જે વાહન માલીકોને અવાર નવાર લેખિત તેમજ મૌખિક રીતે વાહન છોડાવવા અંગેની જાણ કરવા છતાં આજદિન સુધી વાહન છોડાવવા અંગેની કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

    જેથી જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં વાહન છોડાવવા અંગેની કાર્યવાહી કરવી.અને જો આમ કરવામાં આપ કસુર કરશો તો આપ આપનું વાહન છોડાવવા માંગતા નથી તેમ માની લઇ કાયદાકીય નિયમો અનુસાર વાહનની હરાજી કરવામાં આવશે અને હરાજીમાં ઉપજેલ નાણા સરકારશ્રી ખાતે જમા કરવામાં આવશે.

    આ બાબતે આપના તરફથી કોઇ રજુઆત હોય તો અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ મળી લેખિતમાં દિન-૦૩ માં આપવું ત્યારબાદ આવેલ રજુઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહિ.જે અંગેની નોધ લેવા વિનંતિ છે.

    ઉપરોક્ત તમામ વિગતો પોલીસ ઇન્સપેકટર અંકલેશ્વર શહેર બી ડીવી પો.સ્ટે જી.ભરૂચ દ્વારા આપેલ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

  • ભરૂચ જિલ્લામાં ઝાડેશ્વર મનન આશ્રમ ખાતે નર્મદા કિનારે યોજાયું સ્વચ્છતા અભિયાન..

    ભરૂચ જિલ્લામાં ઝાડેશ્વર મનન આશ્રમ ખાતે નર્મદા કિનારે યોજાયું સ્વચ્છતા અભિયાન..

    ભરૂચ – મંગળવાર – સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત સુશ્રી ભાવના બી. દેસાઇ, નાયબ વન સંરક્ષકશ્રી, સામાજીક વનીકરણ વિભાગ, ભરૂચના માર્ગદર્શન હેઠળ નર્મદા નદી કિનારે મનન આશ્રમ ઝાડેશ્વર ખાતે સ્વચ્છતા અભિયાનની કામગીરી કરવામાં આવી

    સ્વચ્છતા અભિયાન દરમિયાન નર્મદા નદીના કિનારે તથા આસપાસના વિસ્તારમાંથી પ્લાસ્ટીક, સૂકો કચરો તથા અન્ય બિનજરૂરી સામગ્રી દુર કરી સ્વચ્છતા જાળવવા માટે જરૂરી કામગીરી કરવામાં આવી હતી.

    આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા, પર્યાવરણ જાળવણી અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

    “સ્વચ્છતા એ સૌની જવાબદારી છે” ના સંદેશ સાથે સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.”સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત હાથ ધરાયેલ આ સ્વચ્છતા અભિયાન દ્વારા પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

    કાર્યક્રમમાં મદદનીશ વન સંરક્ષકશ્રી, સામાજીક વનીકરણ વિભાગ, ભરૂચ, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીઓ તથા તમામ ફીલ્ડ સ્ટાફ દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો. ઉપરોક્ત તમામ વિગતો નાયબ વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ, ભરૂચ દ્વારા આપેલ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

  • નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી પુસ્તકો તથા શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

    નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી પુસ્તકો તથા શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

    નવયુગ વિદ્યાલય જંબુસર ના શાળાના પ્રમુખશ્રી મહેશભાઈ સોલંકીએ તેઓના માતૃશ્રી સ્વર્ગસ્થ મધુબાના શ્રાદ્ધ પર્વે જુદા જુદા જેવાકે શહીદ ભગતસિંહ, રાણા પ્રતાપ, શિવાજી, ચાણક્ય, વાલ્મિકી , રામાયણ ,સુભાષચંદ્ર બોઝ વિગેરે ના પ્રભાવી જીવન ચરિત્રો વાળા પ્રેરણાદાઈ પુસ્તકો તથા શૈક્ષણિક કીટનું શાળાના વિદ્યાર્થીઓને વિતરણ કર્યું…

    દરેક વિદ્યાર્થીઓ આ પુસ્તકો વાંચે અને પુસ્તકોમાંથી તેમને પ્રશ્ન પૂછવામાં આવશે તેથી તેઓ જવાબની તૈયારી કરે તથા બે પાનામાં તેનો સારાંશ લખીને પુસ્તક સમીક્ષા કરે .

    આ પ્રેરણાદાયી પુસ્તકોમાંથી વિદ્યાર્થીઓ જીવનમાં પ્રેરણા મેળવે એ મુખ્ય આશય છે તેમ શ્રી મહેશભાઈ સોલંકી એ જણાવ્યું હતું.

    આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રાથમિક વિભાગના આચાર્ય નૂતનબા ઠાકોર તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે શાળાના શિક્ષકોની મદદથી કર્યું હતું.

    આ બાબતે શાળાની વિદ્યાર્થીની વસાવા સુહાના બેને પોતાના પ્રતિભાવો આપ્યા હતા..

    રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા..

  • નેત્રંગમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી: માનવ-વન્યજીવ સંઘર્ષ અટકાવવા જાગૃતિ શિબિર યોજાઈ..

    નેત્રંગમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી: માનવ-વન્યજીવ સંઘર્ષ અટકાવવા જાગૃતિ શિબિર યોજાઈ..

    ભરૂચ, સોમવાર: ભરૂચ અને વડોદરા જિલ્લા કાનૂની સેવા મંડળ, તાલુકા કાનૂની સેવા સમિતિ તથા જિલ્લા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે નેત્રંગ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જાગૃતિ કાર્યક્રમ અને નાલસા યોજનાની શિબિર યોજાઈ હતી.

    શિબિરનો મુખ્ય હેતુ વન અને વન્યજીવોના સંરક્ષણ સાથે માનવ-વન્યજીવ સંઘર્ષના પીડિતોને ન્યાય અને કાનૂની સહાય મળી રહે તે માટે છેવાડાના લોકો સુધી માહિતી પહોંચાડવાનો હતો. આ પ્રસંગે નાલસાની ‘હ્યુમન વાઇલ્ડલાઇફ કન્ફ્લિક્ટ સ્કીમ-2025’ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

    કાર્યક્રમમાં માનવ અને વન્યજીવો વચ્ચે થતા સંઘર્ષને અટકાવવા માટેના ઉપાયો, વન્યજીવ સંરક્ષણ સંબંધિત કાયદાઓ તેમજ સંઘર્ષના કિસ્સામાં પીડિતોને મળવાપાત્ર માનવતાવાદી અને કાનૂની સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

    ભરૂચ જિલ્લામાં દીપડાના હુમલા તથા દીપડા માનવ વસાહતોમાં ઘૂસી આવવાના બનાવોને ધ્યાનમાં રાખીને સ્થાનિકોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આવા સંજોગોમાં લોકોએ કઈ સાવચેતી રાખવી, વન વિભાગને કેવી રીતે જાણ કરવી અને પીડિતોને કઈ રીતે સહાય મળી શકે તે અંગે સમજ આપવામાં આવી હતી.વક્તાઓએ જણાવ્યું હતું કે, પર્યાવરણ અને વન્યજીવોનું જતન કરવું એ સૌની નૈતિક જવાબદારી છે.

    માનવ-વન્યજીવ સંઘર્ષના કિસ્સામાં કોઈ નાગરિકને કાનૂની કે માનવ સહાયની જરૂરિયાત હોય તો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી શકે છે.

    નેત્રંગ વનશ્રી ખાતે યોજાયેલી શિબિરમાં વડોદરા DLSAના સચિવ ડી.બી. સાવલિયા, ભરૂચ જિલ્લા DLSAના સચિવ પી.પી. મોકાશી, વડોદરા એડિશનલ સિનિયર સિવિલ જજ ડી.એમ. સિંઘલ, જજ આર.વી. લીંબચીયા, નેત્રંગ પ્રિન્સિપાલ સિવિલ જજ એચ.આર. ખમલ, હાંસોટ સિવિલ જજ જે.જે. જોશી, નેત્રંગ બાર એસોસિએશનના એસ.જી. પાદરિયા, ભરૂચ RFO એમ.એફ. દિવાન, બી.પી. વસાવા, સી.વી. માછી, એમ.કે. પરમાર, ફોરેસ્ટર જીતુ વસાવા સહિત ગામના સરપંચો, આગેવાનો, PLV તથા વન વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.