ભરૂચ – સોમવાર – ભારતની વસ્તી ગણતરી ૨૦૨૭ અંતર્ગત ભરૂચ જિલ્લાના નાગરિકોને પ્રેરણા પૂરી પાડતા, ભરૂચના ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી અને ઇ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ સ્વયંભૂ રીતે નિયત સત્તાવાર પોર્ટલ https://se.census.gov.in પર જઈને પોતાની જરૂરી તમામ વિગતો ભરીને સ્વ-ગણતરી (Self Enumeration) કરી આ રાષ્ટ્રીય કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરતાં ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું કે, વસ્તી ગણતરી એ એક અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે. જેનો મુખ્ય આશય સરકારની લોકકલ્યાણની વિવિધ યોજનાઓનું સચોટ અમલીકરણ, શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ભવિષ્યના વિકાસ કાર્યો તેમજ પાયાની આધારભૂત સુવિધાઓના આયોજનને સુનિશ્ચિત કરવાનો છે.
ઇ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પાર્થ જયસ્વાલે વધુમાં માહિતી આપતા કહ્યું કે, સમગ્ર ભરૂચ જિલ્લામાં વસ્તી ગણતરી માટેની આ સ્વ-ગણતરી પ્રક્રિયા તા. ૧૭ થી ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન ઓનલાઈન માધ્યમથી હાથ ધરાશે. આ સમયગાળા દરમિયાન જિલ્લાના તમામ નાગરિકો પોતાના મોબાઇલ ફોન, ટેબલેટ અથવા કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાની સાચી અને સંપૂર્ણ માહિતી આપી આ મહા-જનગણનામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે તે અત્યંત આવશ્યક છે. કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ માટે નાગરિકો સરકારના ટોલ ફ્રી નંબર ૧૮૫૫ નો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત સરકારશ્રી દ્વારા જાહેર જનતાની સુવિધા માટે સત્તાવાર પોર્ટલનું સ્કેનર પણ બનાવેલ છે. જે સ્કેન કરવાથી વેબ સાઇટ ખુલશે. નોંધનીય છે કે, તા. ૧ જૂન થી તા. ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન વસ્તી ગણતરીના સત્તાવાર કર્મચારીઓ (ગણતરીદાર) દ્વારા ઘરે-ઘર જઈને ઘરયાદી ગણતરીની માહિતી એકત્રિત કરવામાં આવશે. જે નાગરિકોએ ઓનલાઈન સ્વ-ગણતરી પૂર્ણ કરી લીધી છે , તેઓએ પોતાના મોબાઈલમાં જનરેટ થયેલો ‘Self Enumeration ID’ (SE ID) સાચવી રાખવાનો રહેશે અને જ્યારે ગણતરીદાર તેમના ઘરે આવે ત્યારે આ ID તેમની સાથે શેર કરવાનો રહેશે. ભરૂચ જિલ્લામાં આ સમગ્ર પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે ૧૮ ચાર્જ અધિકારીઓની પણ નિમણૂંક કરી દેવામાં આવી છે.






Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.
ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હવે નવા સરનામે કાર્યરત.