ભરૂચ – શુક્રવાર- અંકલેશ્વર મા શારદા ભવન હોલ ખાતે ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાંકીય સેવા વિભાગ (DFS) દ્વારા ભારતીય રિઝર્વ બેંક (RBI), IRDAI, SEBI અને IEPFA ના સહયોગ અને લીડ બેંક ભરૂચ – બેંક ઓફ બરોડાના સંયુક્ત આગેવાનીમાં રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે નાણાકીય જાગૃતિ અને નાગરિક અધિકાર માટે “તમારી મૂડી, તમારો અધિકાર “ના કેમ્પનું આયોજન જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ભારતીય રિઝર્વ બેંક (RBI), IRDAI, SEBI અને IEPFA જેવી અગ્રણી નાણાકીય નિયમનકારી સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો. ભરૂચ – બેંક ઓફ બરોડાની લીડ બેંક શાખાએ આ અભિયાનનું સંયુક્ત નેતૃત્વ કર્યું હતું. કેમ્પમાં નાગરિકોને બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં રહેલા અપ્રાપ્ત નાણાં (Unclaimed Financial Assets) અંગે માહિતી આપવી અને તેનો દાવો કેવી રીતે કરવો તે સમજાવવામાં આવ્યું હતું. તેમજ વિડીયો પ્રદર્શન દ્નારા દાવા કરવાની પ્રક્રિયા પણ સમજાવવામાં આવી હતી. આ જાગૃતિ કેમ્પના માધ્યમથી નાગરિકોને તેમની મહેનતની કમાણી પાછી મેળવવામાં તાત્કાલિક સફળતા મળી હતી. એક જ દિવસમાં ૨૦ દાવેદારોએ તેમના દાવાઓના પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા હતા, જેના થકી અંદાજે રૂા. ૩૨ લાખની રકમ સફળતાપૂર્વક મેળવાઈ હતી. આ તકે, અપ્રાપ્ત નાણાં અને તેની દાવો કરવાની પ્રક્રિયાની વિગતવાર માહિતી આપતા અભિયાનના પુસ્તકનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા આ જનજાગૃતિ અભિયાનનો શુભારંભ ૪ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ગાંધીનગર, ગુજરાત ખાતે કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં લાંબા સમયથી બિન-દાવાગ્રસ્ત (Unclaimed Financial Assets) રહેલા નાણાં અંગે સચોટ માહિતી આપવાનો અને આ મૂડી પર દાવો કેવી રીતે કરવો તેની સરળ પ્રક્રિયા સમજાવવાનો છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહાપ્રબંધક, ભારતીય સ્ટેટ બેંક શ્રી બાલાજી કુમાર સિંહ સામંતા, ઉપ મહાપ્રબંધક, બેંક ઓફ બરોડા – સુરત ઝોન શ્રી પ્રેમસિંહ નેગી, ગુજરાત ગ્રામિણ બેંક – સુરત શ્રી રાજ કપૂર, પ્રદેશ પ્રબંધક, જેવા વિશિષ્ટ મહેમાનો અને વક્તાઓ હાજર રહ્યા હતા.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.