આમોદ તાલુકાના સરભાણ ગામે ગામતળાવ, તલાવડી તથા ગૌચરની જમીનમાં ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવ્યું હતું.જે બાબતે ગામના જાગૃત નાગરિક બિપિન પટેલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી.જેના અનુસંધાને આજ રોજ ભરૂચ જીલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી તપાસ ટીમની રચના કરવામાં આવતા આજે સરભાણ ગામે સ્થળ તપાસ માટે આવી હતી.જેથી માટીચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.આમોદ તાલુકાના સરભાણ ગામે સ્થળ તપાસ માટે નાયબ જીલ્લા વિકાસ અધિકારી અશોક ડાંગી, આમોદ તાલુકા વિકાસ અધિકારી સમીર મોજણીદાર,ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અરવિંદ ઠાકોર,સર્વેયર પ્રીતેષ પટેલે હાજર રહી સરભાણ ગામનું તળાવ,તલાવડી તેમજ ગૌચરની જમીનની સ્થળ મુલાકાત લીધી હતી. તેમની સાથે ગામના તલાટી તથા ગામના જાગૃત નાગરિકો પણ હાજર રહ્યા હતાં.ગામલોકોએ સ્થળ મુલાકાત વખતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા અન્ય અધિકારીઓને માટીચોરોએ ગામ તળાવને કેવું નર્કાગાર બનાવી દીધું તે બતાવ્યું હતું. તેમજ ગામતળાવ, તલાવડી અને ગૌચરની જમીન ઉપરના લીલાછમ વૃક્ષોનું પણ કટિંગ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.સરભાણ ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર થયેલા માટી ખોદકામ અંગે ગામના જાગૃત નાગરિકે અરજી કરી હતી. જેના અનુસંધાને ગામના તત્કાલીન તલાટીને જ તપાસનો આદેશ થતાં માટીચોરોમાં સંડોવાયેલા તત્કાલીન તલાટી ગૌચરની જમીનને કાંસ બતાવી દઈ વહીવટી તંત્રને પણ ગેરમાર્ગે દોર્યું હતું.ત્યારે સ્થળ તપાસ માટે આવેલા નાયબ જીલ્લા વિકાસ અધિકારી અશોક ડાંગી સહિતના અધિકારીઓને ગામલોકોએ હકીકતથી વાકેફ કરતા સરભાણ ગામના તત્કાલીન તલાટીની વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરવાની હરકતથી અચંબામાં પડી ગયા હતાં.સરભાણ ગામે સ્થળ તપાસ માટે આવેલા અધિકારીઓને ગામના એક જાગૃત નાગરિક ગીરીશ અંબાલાલ પટેલે જો દશ દિવસમાં તત્કાલીન પંચાયતની બોડી સામે કાયદેસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ બાબતે સરભાણ ગામના પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે સરભાણ ગામે ગામ તળાવ, તલાવડી તેમજ ગૌચરની જમીન ગેરકાયદેસર ખોદી કાઢી કરોડો રૂપિયાનું માટી કૌભાંડ કરવામાં આવ્યું હતું.જેમાં સરભાણ ગ્રામ પંચાયતની તત્કાલીન બોડીએ કોઈ કાર્યવાહી કરી નહોતી.સરકારી મિલકત તથા પ્રકૃતિને નુકશાન બાબતે તત્કાલીન ગ્રામ પંચાયતની બોડીને યોગ્ય દંડ થવો જોઈએ. અમે ફોજદારી કેસ કરવા તૈયાર છીએ તેમ કહ્યું હતુ.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.