ભરૂચના ઝાડેશ્વર સ્થિત સ્વામીનારાયણ મંદિર સંકુલ ખાતે યોજાનાર વિકાસ ઉત્સવ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાને અંદાજિત રૂપિયા 1350 કરોડથી વધુના કુલ 139 વિકાસકાર્યોની ભેટ મળશે. આ પ્રસંગે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ વિકાસકાર્યોમાં જિલ્લા પંચાયત, આરોગ્ય, શિક્ષણ, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ, રમતગમત તથા મહેસૂલ વિભાગના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. જિલ્લાના નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થાય તે હેતુસર આ પ્રોજેક્ટ્સ અમલમાં મુકવામાં આવી રહ્યા છે.
જિલ્લા પંચાયત દ્વારા રૂ.309 કરોડના ખર્ચે 95 વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેમાંથી રૂ.243 કરોડના 56 કામોના ખાતમુહૂર્ત અને રૂ.66 કરોડના 39 કામોનું લોકાર્પણ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં રોડ-રસ્તા અને છ માયનોર બ્રિજના નિર્માણથી અંદાજે ત્રણ લાખ લોકોને લાભ મળશે.આ ઉપરાંત રૂ.50 કરોડના ખર્ચે ભરૂચ, નેત્રંગ, રાજપારડી અને જંબુસર ખાતે પાંચ કોમર્શિયલ શોપિંગ સેન્ટર કમ રેસ્ટ હાઉસનું નિર્માણ કરવામાં આવશે. નર્મદા પરિક્રમાર્થીઓ માટે જિલ્લામાં 8 વિશ્રામ હોલ પણ બનાવવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્રે રૂ.22.40 કરોડના ખર્ચે 16 વિકાસકાર્યો, આરોગ્ય ક્ષેત્રે રૂ.3.74 કરોડના ખર્ચે 8 પેટા આરોગ્ય કેન્દ્રો, તેમજ ભરૂચમાં રૂ.13.60 કરોડના ખર્ચે જિલ્લા કક્ષાનું રમતગમત સંકુલ શરૂ કરવામાં આવશે.માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વર–રાજપીપલા હાઈસ્પીડ કોરિડોર (રૂ.765 કરોડ) અને અંકલેશ્વર એરસ્ટ્રીપ ફેઝ-2 (રૂ.107 કરોડ) સહિત કુલ રૂ.985 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
આ વિકાસકાર્યો થકી ભરૂચ જિલ્લામાં માળખાગત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને ગ્રામ્ય-શહેરી વિકાસને નવી દિશા મળશે અને જિલ્લાના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.






Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.