ભરૂચ જિલ્લા આયોજન કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિકાસકામો, જનહિતની યોજનાઓના અમલીકરણ, નાગરિકોની અરજીઓ તથા ફરિયાદોના સમયસર અને અસરકારક નિવારણ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકમાં સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદિયા, ભરૂચના ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્યશ્રી અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્યશ્રી ડી.કે.સ્વામી, ઝઘડિયાના ધારાસભ્યશ્રી રિતેશભાઈ વસાવા સહિતના જનપ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી પોતાના મતવિસ્તારના નાગરિકોના પ્રશ્નો અને વિકાસ કાર્યો અંગે જરૂરી ચર્ચા કરી હતી.
જેને કલેક્ટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળીને સંબંધિત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગો દ્વારા જિલ્લામાં અમલમાં મૂકાતી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની પ્રગતિ અંગે વિગતે ચર્ચા કરી હતી. ખાસ કરીને મહેસૂલ, આરોગ્ય, શિક્ષણ, પીવાનું પાણી, માર્ગ અને પરિવહન, વીજળી, સામાજિક કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ, ગ્રામ વિકાસ સહિતના વિભાગોની કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે અગાઉની બેઠકમાં રજૂ થયેલી ફરિયાદોના નિવારણ અંગેની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચના આપી કે, લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ થતી નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોને ગંભીરતાથી લઈને નિર્ધારિત સમયમર્યાદામાં ગુણવત્તાસભર નિવારણ કરવામાં આવે. સરકારની યોજનાઓનો લાભ અંતિમ લાભાર્થી સુધી પહોંચે તે માટે વિભાગો વચ્ચે યોગ્ય સંકલન રાખી કાર્ય કરવાની પણ સૂચના આપી હતી. તેમજ કોઈપણ પ્રકારની બેદરકારી કે વિલંબ ન રહે તે જોવા પર પણ ખાસ ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા ચૌધરી, ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ જયસ્વાલ, પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ કલેક્ટરશ્રીઓ, વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, તાલુકા સ્તરના અધિકારીઓ તેમજ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.






Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.