મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ તાજેતરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે ઘણા ખરા માર્ગો બિસ્માર બન્યા હતા. જેને ધ્યાને લઈને ભરૂચ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ દુરસ્તીકરણની તેમજ રીસર્ફેસિંગ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય રાજપારડી નેત્રંગ રોડ પર પેવર પટ્ટાની કામગીરી અને અંકલેશ્વર- નેત્રંગ હાઈવે પર ડામરની કામગીરી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લખનિય છે કે, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં રાજપારડી થી નેત્રંગ માર્ગને ૧૦ મીટરથી વધારીને ચાર માર્ગીય સી.સી. રોડ કરવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર આગામી સમયમાં કામગીરી ચાલુ થવાની છે. નાગરિકોને વ્યાપક, સુરક્ષિત અને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે માર્ગનું વિસ્તૃતિકરણ કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટ ૧૦ કિલોમીટરના અંતરને આવરી લેશે. આ કામગીરી અંદાજિત રૂપિયા ૧૨૦ કરોડના ખર્ચે કરવામાં આવનાર છે. આ માર્ગ ૧૦ મીટરથી વધારીને ફોર લેન ૪ – માર્ગીય સી. સી રોડ બનાવાશે. માર્ગનું વિસ્તૃતીકરણ થવાથી સ્થાનિક ખેડૂતો, વેપારીઓ અને મુસાફરોને મોટો ફાયદો થશે. ખાસ કરીને ખેડૂત તેમજ અન્ય ઔદ્યોગિક માલસામાનના પરિવહન અને દૈનિક અવરજવરને વધુ સરળ બનાવશે.પહોળા માર્ગોને કારણે ટ્રાફિક જામની સમસ્યા હળવી થશે અને સાથે જ માર્ગ અકસ્માતોનું જોખમ ઘટાડવામાં પણ મદદરૂપ થશે, જેનાથી મુસાફરી વધુ સુરક્ષિત બનશે. પ્રોજેક્ટના ભાગરૂપે મેટલિંગ અને સ્ટ્રક્ચર વર્ક સહિતની કામગીરી પૂરજોશમાં ચાલુ કરવામાં આવશે. આ સ્ટ્રક્ચર વર્કમાં પુલિયા અને ગરનાળા જેવા આવશ્યક બાંધકામોનો સમાવેશ થાય છે. આ માર્ગ વિસ્તૃતીકરણ પ્રોજેક્ટ પૂર્ણ થતાંની સાથે જ, આ માર્ગ આસપાસના ગામો અને શહેરો વચ્ચેની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે. આ સુધારેલો માર્ગ વિસ્તારની પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપીને ભરૂચ જિલ્લાના વિકાસ માટે નવી દિશા ખોલશે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.