ભરૂચ: ગુજરાતનો નશા-મુક્ત સંકલ્પ, ૩૮૧ કરોડના ડ્રગ્સનો નાશ અને ANTFનો પ્રારંભ, નશાના કારોબારીઓને કડક સંદેશમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નશા-મુક્ત ગુજરાતના સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચ ખાતે ભવ્ય ડ્રગ્સ નાબુદી કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દ્વારા ૪૪૨ ગુનાઓમાં જપ્ત કરાયેલા અંદાજે ૮,૦૦૦ કિલોગ્રામ અને ૩૮૧ કરોડથી વધુની કિંમતના નાર્કોટિક્સનો નાશ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં વિજયાદશમીના પર્વે જેમ રાવણરૂપી બુરાઈનું દહન થયું, તેમ જ સમાજને ખોખલો કરી રહેલા ડ્રગ્સરૂપી દાનવના દહન દ્વારા ગુજરાત સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયાના આહ્વાન અને ઝીરો ટોલરન્સની નીતિ પ્રત્યેની પોતાની અડગ પ્રતિબદ્ધતા દર્શાવી છે. કાર્યક્રમ દરમ્યાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વિધિવત પ્રારંભની જાહેરાત કરી હતી. ડ્રગ્સના દૂષણને ડામવા માટે રચાયેલી આ વિશિષ્ટ ફોર્સમાં ૨૧૩ જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ-કર્મચારીઓ હશે, જેઓ ફક્ત નાર્કોટિક્સના ગુનાઓ સામે જ કામગીરી કરશે. ગાંધીનગરમાં મુખ્ય મથક અને ૬ ઝોનલ કચેરીઓ સાથે કાર્યરત થનારી આ ફોર્સ ડ્રગ્સ સામેની લડતને વધુ સઘન બનાવશે. મંત્રીએ જણાવ્યું હતું કે, ભરૂચ ખાતે આજે ડ્રગ્સના રાવણનું દહન કરવામાં આવ્યું છે, જે ખૂબ મોટી બાબત છે. ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે અભિયાન નહીં, પરંતુ લડત લડી રહી છે, અને ANTF આમાં મહત્વપૂર્ણ સાબિત થશે.નશા વિરોધી ઝુંબેશને વધુ અસરકારક બનાવવા માટે મેન્ટર પ્રોજેક્ટને સઘન બનાવવામાં આવશે. હાલ જામીન પર છૂટેલા આશરે ૨,૬૪૦ નાર્કોટિક્સના આરોપીઓ પર ૧,૯૭૮ પોલીસ મેન્ટર નજર રાખી રહ્યા છે. આ ઉપરાંત, જનભાગીદારીને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારની માનસ હેલ્પલાઇન ૧૯૩૩ને પણ વધુ અસરકારક બનાવવામાં આવશે. નવી વ્યવસ્થા અંતર્ગત આ હેલ્પલાઇન પર મળતી માહિતી સીધી જ ગૃહ રાજ્ય મંત્રીના કાર્યાલય સુધી પહોંચશે, જેથી ગુપ્ત માહિતી પર ત્વરિત કાર્યવાહી કરી શકાય. આ પ્રસંગે રાજ્ય સરકારની રીવોર્ડ પોલિસી અંતર્ગત ડ્રગ્સ વિરોધી લડતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ જવાનોને બિરદાવવામાં આવ્યા હતા. ૭ મોટા કેસોમાં સફળ કામગીરી કરનાર ૯૨ પોલીસ જવાનોને કુલ ૨૯.૬૭ લાખની ઇનામની રકમ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મહત્ત્વના કાર્યક્રમ થકી રાજ્ય સરકારે ડ્રગ્સના કારોબારીઓને કડક ચેતવણી આપીને નશા-મુક્ત ગુજરાતના નિર્માણ માટેની પ્રતિબદ્ધતા વધુ એકવાર દોહરાવી છે.
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.