નર્મદા નદીના કિનારે આવેલા તપોવન આશ્રમમાં વરસાદી પાણીના સંગ્રહનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે. વરસાદી પાણીનો સંગ્રહ થાય એ માટે સવા લાખ લિટર પાણીની સ્ટોરેજ કેપેસિટી ધરાવતો ભૂગર્ભ ટાંકો બનાવવામાં આવ્યો છે, જેના દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન પાણીનો ઉપયોગ કરી શકાય છે.નર્મદા નદીના કિનારે આવેલા તપોવન આશ્રમમાં વરસાદી પાણી સંચયનો અભિગમ સમગ્ર રાજ્ય માટે ઉત્તમ ઉદાહરણ બન્યો છે. તપોવન આશ્રમમાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઊમટે છે. આશ્રમની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા કુલ પાંચ બોર બનાવવામાં આવ્યા હતા. જોકે થોડાં વર્ષો પૂર્વે નર્મદાના નીરના ઓછા પ્રવાહના કારણે સમુદ્ર સીમાડા ઓળંગી નદીમાં પ્રવેશ્યો હતો અને નદીનું મીઠું જળ ખારું થઇ ગયું હતું, જેની અસર આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળી હતી.ત્યારે તપોવન આશ્રમમાં આવેલા પાંચ બોરના પાણી પણ ખારા થઇ ગયા હતા. નર્મદા નદીના કિનારે આવેલા હોવા છતાં આશ્રમ માટે વેચાતું પાણી મગાવવાનો વારો આવ્યો હતો. આવા સમયે આશ્રમના સંચાલકોને ભૂગર્ભ જળ સંચયનો વિચાર આવ્યો હતો અને આ પરિકલ્પનાને સાકાર કરવા માટે કામગીરી શરુ થઇ હતી. આશ્રમના સંચાલકો દ્વારા 12 ફૂટ ઊંડો, 21 ફૂટ લાંબો અને 18.5 ફૂટ પહોળો ખાડો ખોદી અંદર સવાલાખ લિટર પાણીનો સંગ્રહ થઇ શકે એવો ટાંકો ઉતારવામાં આવ્યો હતો.ચોમાસાના ચાર મહિના આકાશમાંથી વરસતી મેઘની મહેરરૂપી પાણી આ ટાંકામાં સંગ્રહ કરવામાં આવે છે. અને વર્ષ દરમિયાન આ પાણીને ઉપયોગમાં લેવામાં આવે છે. આશ્રમના સંચાલકો દ્વારા આ સાથે જ ખારા થયેલા બોરના પાણીને મીઠા કરવાની પણ કામગીરી કરવામાં આવે છે. આશ્રમમાં આવેલી વિવિધ ટાંકીનું પાણી બોરમાં ઉતારી બોર રિચાર્જ કરવામાં આવે છે. નર્મદાના નીર ખારા થતાં આશ્રમના સંચાલકો મૂંઝવણમાં મુકાયા હતા.ખારા પાણીને કારણે આશ્રમના વૃક્ષ સુકાઈ જતાં ભૂગર્ભ જળ સંચયનો અભિગમ કારગત નીવડ્યો. ખારા પાણીને કારણે આશ્રમમાં રોપવામાં આવેલાં વૃક્ષ પણ સુકાઈ ગયાં હતાં. ત્યારે ભૂગર્ભ જળ સંચયનો અભિગમ કારગત નીવડ્યો છે અને આશ્રમ પહેલાંની માફક જ થઈ ગયો છે. જળ એ જ જીવન છે આ કહેવત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પરંતુ સાચા અર્થમાં જીવનને કેવી રીતે બચાવી શકાય એનું ઉદાહરણ તપોવન આશ્રમ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. લોકો પણ આ રીતે પોતાના ઘરમાં નાના ટાંકા બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરી અમૂલ્ય જળને બચાવવા સહભાગી બને એ જરૂરી છે.
નર્મદા નદીના કિનારે આવેલા તપોવન આશ્રમમાં વરસાદી પાણી સંચયનો અભિગમ સમગ્ર રાજ્ય માટે ઉત્તમ ઉદાહરણ..
Views: 91
Read Time:3 Minute, 27 Second





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.