

ભરૂચ : જૈન સોશિયલ ગ્રુપ સંગીની દ્વારા તા. 15 ઓગસ્ટથી 25 ઓગસ્ટ દરમિયાન પ્રમુખ શ્રીમતી બેન શાહના નેતૃત્વ હેઠળ ચાતુર્માસ સેવાકીય પ્રવૃત્તિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
પ્રોજેક્ટ ચેરમેન તથા સેક્રેટરી શ્રીમતી મનીષા સરવૈયા અને કમિટીની ટીમના સહયોગથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.તા. 15 ઓગસ્ટના રોજ JSG સાથે મેગા બ્લડ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 41 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. સરકારી કન્યા શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી વિદ્યાર્થીઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ઘાયલ પશુ-પક્ષીઓની તબીબી સારવાર માટે રૂ. 5,500નું દાન આપવામાં આવ્યું હતું. ત્યજાયેલા અને નિરાધાર લોકોની સારવાર માટે સેવાયજ્ઞ સમિતિને રૂ. 11,000નું દાન કરવામાં આવ્યું હતું. જીવદયા અંતર્ગત ત્રણ ગાયોને દત્તક લઈ તેમના ખોરાક તથા તબીબી સારવારના ખર્ચ માટે રૂ. 27,000નું દાન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર સેવાયજ્ઞમાં સંગીની ગ્રુપના સભ્યોનો ફાળો, સહયોગ અને ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી.
સેવાકીય પ્રવૃત્તિઓને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ સભ્યોનો સંગીની ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




















