Nari Prahar

Category: Uncategorized

  • ભરૂચમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી..શ્રેષ્ઠ શિક્ષકોનું જિલ્લા અને તાલુકા કક્ષાના પારિતોષિકોથી સન્માન..

    ભરૂચમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી..શ્રેષ્ઠ શિક્ષકોનું જિલ્લા અને તાલુકા કક્ષાના પારિતોષિકોથી સન્માન..

    ભરૂચ, શનિવાર: ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આત્મીય સંસ્કાર હૉલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબા રાજના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લાના તેજસ્વી, કર્મઠ અને પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

    કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબા રાજે શિક્ષક દિનની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, શિક્ષક માત્ર એક વ્યવસાય નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ છે. શિક્ષકો બાળકોના વ્યક્તિત્વ અને સંસ્કારોનું ઘડતર કરી તેમની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે.

    ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ બદલાતા ટેકનોલોજીના યુગમાં પણ શિક્ષકની ભૂમિકા અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગુગલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજી ઉપલબ્ધ હોવા છતાં શિક્ષક જેવું માર્ગદર્શન, સંસ્કાર અને વ્યક્તિત્વ ઘડતર કોઈ કરી શકે તેમ નથી. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે કુશળ અને સંસ્કારી યુવા પેઢી તૈયાર કરવાની જવાબદારી શિક્ષકોની છે.

    સમારોહ દરમિયાન વર્ષ ૨૦૨૬ના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાએ પ્રાથમિક વિભાગમાં મોરતલાવ પ્રાથમિક શાળાના આચાર્ય-શિક્ષક નિરવકુમાર દેવજીભાઈ પટેલ, માધ્યમિક વિભાગમાં ડેબાર સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના મદદનીશ શિક્ષક ચંદ્રકાંત ઠાકોરભાઈ પ્રજાપતિ તેમજ જી.એન.એફ.સી. નર્મદા વિદ્યાલયના મદદનીશ શિક્ષક સંજયકુમાર મગનભાઈ સુવાગિયાને સન્માનિત કરવામાં આવ્યા હતા.

    તાલુકા કક્ષાએ અંકલેશ્વરની નોબારીઆ પ્રાથમિક શાળાના શિક્ષિકા નમ્રતાબેન કેશવલાલ બારૈયા તથા જંબુસર રેલવે વિસ્તાર પ્રાથમિક શાળાના શિક્ષિકા નશીમાબેન ચુસુફ મુન્શીને પારિતોષિક અને પ્રમાણપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા.

    આ ઉપરાંત પોતાના વિષયમાં ૧૦૦ ટકા પરિણામ મેળવનાર, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ આપનાર, વ્યક્તિગત સિદ્ધિઓ ધરાવનાર શિક્ષકો તેમજ પ્રતિભાશાળી બાળકો ધરાવતી શાળાના શિક્ષકોને પણ અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

    કાર્યક્રમની શરૂઆત જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલના સ્વાગત પ્રવચનથી થઈ હતી. પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન કર્મિશા પટેલ, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, નગરપાલિકા શિક્ષણ સમિતિના ગણેશ અગ્રવાલ, મગન પટેલ, આરોગ્ય વિભાગના ચેરમેન વિમલભાઈ પટેલ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ, શિક્ષણ સમિતિના સભ્યો, રોટરી ક્લબના ભૂતપૂર્વ ચેરમેન સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં શિક્ષણ જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

  • વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2027ને લઈ મુંબઈમાં ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રીની વન-ટુ-વન બેઠક.

    વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2027ને લઈ મુંબઈમાં ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રીની વન-ટુ-વન બેઠક.

    મુંબઈ: વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2027ને અનુલક્ષીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈ ખાતે દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી.

    મુખ્યમંત્રીએ ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણની વિવિધ તકો અંગે ચર્ચા કરી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2027માં ભાગીદાર બનવા આહવાન કર્યું હતું.બેઠક દરમિયાન મહિન્દ્રા ગ્રુપના આનંદ મહિન્દ્રાએ ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહન અને GIFT સિટી ક્ષેત્રે તકો અંગે ફળદાયી ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે ગુજરાતમાં રોકાણ અંગે અગાઉ નરેન્દ્ર મોદી સાથે થયેલી બેઠકને યાદ કરી ગુજરાતની દુરંદેશી નીતિઓની પ્રશંસા કરી હતી.

    સ્વાન કોર્પોરેશનના એમડી નિખિલ મર્ચન્ટે ગુજરાતની શિપિંગ પોલિસીને સરાહનીય ગણાવી કંપનીના વિસ્તરણ અને આધુનિકીકરણ અંગે ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતું. કંપનીના આંતરરાષ્ટ્રીય વ્યવસાયને વધુ વેગ આપવા કનેક્ટિવિટી અને એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે પણ ચર્ચા થઈ હતી.વેલ્સપન ઇન્ડિયાના સીઈઓ દીપાલી ગોએન્કાએ ગુજરાતના મજબૂત ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ અને ઉદ્યોગલક્ષી નીતિઓની પ્રશંસા કરી હતી.

    રાજ્યમાં નવા રોકાણ અને વિસ્તરણ દ્વારા ઉત્પાદન, નિકાસ અને રોજગારીને વેગ આપવાની તકો અંગે ચર્ચા થઈ હતી.હિન્ડાલ્કોના એમડી સતિષ પાઈએ ગુજરાતમાં કોપર રિસાયક્લિંગ, ઈ-વેસ્ટ મેનેજમેન્ટ અને સર્ક્યુલર ઈકોનોમી ક્ષેત્રે રહેલી તકો અંગે ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતું. ડિસેમ્બરમાં કોપર રિસાયક્લિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન અંગે પણ ચર્ચા થઈ હતી.

    AMNS ઈન્ડિયાના સીઈઓ અમિત હરલાલકાએ ગુજરાતમાં કંપનીની મહત્વાકાંક્ષી રોકાણ યોજનાઓ અંગે માહિતી આપી હતી. કંપની જૂન સુધીમાં રૂ. 80 હજાર કરોડનું રોકાણ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહી છે. હજીરા ખાતે પુનઃપ્રાપ્ય ઊર્જા અને બેટરી સ્ટોરેજ ક્ષેત્રે વધુ રૂ. 10 હજાર કરોડના રોકાણની યોજના છે. સાથે જ ગુજરાતમાં 25 મિલિયન ટન વાર્ષિક ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ વિકસાવવાના વિઝન અંગે પણ ચર્ચા થઈ હતી.

    મુંબઈમાં યોજાયેલી આ વન-ટુ-વન બેઠકો દરમિયાન ગુજરાતને અગ્રણી રોકાણ સ્થળ તરીકે વધુ મજબૂત બનાવવા માટે વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં રોકાણ, સહયોગ, વિસ્તરણ અને નવી ઔદ્યોગિક તકો અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી.

  • ચોરવાડમાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ..!!

    ચોરવાડમાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ..!!

    ચોરવાડ, તા. 5: જુનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગારધામ પર દરોડો પાડી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.

    ચોરવાડ ગર્લ્સ સ્કૂલ નજીક સુથાર સમાજની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા દરમિયાન રોકડા રૂ.3,72,200, એક ફોર-વ્હીલર, 11 ટુ-વ્હીલર, 42 મોબાઇલ ફોન તથા જુગારનું સાહિત્ય સહિત કુલ રૂ.16,02,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

    દરોડા દરમિયાન જુગાર રમતા તથા રમાડતા કુલ 42 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આમ કુલ 44 આરોપીઓ સામે ચોરવાડ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

    સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહીને પગલે ચોરવાડ પંથકમાં જુગારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

  • દાણીલીમડામાં દેશી તમંચો અને 9 કારતૂસ સાથે યુવક ઝડપાયો..

    દાણીલીમડામાં દેશી તમંચો અને 9 કારતૂસ સાથે યુવક ઝડપાયો..

    અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે દાણીલીમડા વિસ્તારમાંથી દેશી તમંચો તથા 9 જીવતા કારતૂસ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી કુલ રૂ.5,900નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું ક્રાઈમ બ્રાન્ચની પ્રેસનોટમાં જણાવાયું છે.

    ક્રાઈમ બ્રાન્ચની ટીમે દાણીલીમડા વિસ્તારમાં કબીર ફાર્મ પાસે જાહેર રોડ પરથી આરોપી સમીરમોહંમદ સ/ઓ પ્યારમોહંમદ ફૈજમોહંમદ ખલીફા, ઉંમર 25 વર્ષ, રહે. વેજલપુર, અમદાવાદ શહેર, મૂળ વતન ઝીંઝુવાડા, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગરને ઝડપી પાડ્યો હતો.

    પોલીસે આરોપીના કબજામાંથી રૂ.5,000ની કિંમતનો દેશી તમંચો નંગ-1 તથા રૂ.900ની કિંમતના 9 કારતૂસ મળી કુલ રૂ.5,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

    આ મામલે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં પાર્ટ-બી ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આર્મ્સ એક્ટની કલમ 25(1)(બી-એ) તથા 29 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  • ભરૂચ – જૈન સોશિયલ ગ્રુપ દ્વારા મહિલાઓ માટે વિશેષ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન..

    ભરૂચ – જૈન સોશિયલ ગ્રુપ દ્વારા મહિલાઓ માટે વિશેષ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન..

    ૩ sep, ૨૦૨૬: .ભરૂચ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ અંતર્ગત વિવિધ પ્રોજેક્ટોનું સતત આયોજન કરવામાં આવે છે. જેમાં મેડિકલ કેમ્પ, રક્તદાન, વુમન એમ્પાવરમેન્ટ, જીવદયા, જ્ઞાનગંગા સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

    આ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે તા. 3 સપ્ટેમ્બર, 2026ના રોજ બપોરે 1:30 થી સાંજે 4:30 વાગ્યા સુધી મહિલાઓ માટે વિશેષ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન અમ્રિત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, સિટી સેન્ટર, ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું.

    જેમાં 150 થી વધુ લોકોએ આ કેમ્પ નો લાભ લીધેલો હતો.આ કેમ્પમાં નિષ્ણાત મહિલા તબીબો દ્વારા મહિલાઓની વિવિધ આરોગ્ય સંબંધિત તપાસ કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન જરૂરી મેડિકલ ચેકઅપ, સલાહ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જરૂરિયાત જણાય તેવા દર્દીઓને આગળની સારવાર અંગે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

    કેમ્પમાં જૈન સોશિયલ ગ્રુપ–ભરૂચ, સંગિની ફોરમ–ભરૂચના હોદ્દેદારો તથા સભ્યો તેમજ અમ્રિત હોસ્પિટલના તબીબો અને સ્ટાફે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સેવાઓ આપી હતી.

    કેમ્પનો લાભ લેનાર બહેનોએ આ પ્રકારની આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિ બદલ જૈન સોશિયલ ગ્રુપ – ભરૂચ તેમજ સંગીની ભરૂચ નો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે શ્રી ભરતભાઈ શાહ – ઇન્ટરનેશનલ ડાયરેક્ટર – JSGIF, શ્રીમતી કેતકીબેન મહેતા – જોઈન્ટ સેક્રેટરી – ગુજરાત રિજયન, શ્રીમતી કવિતાબેન શાહ – પાસ્ટ પ્રેસિડેન્ટ , શ્રી ગિરીશભાઈ પટેલ – પ્રોજેક્ટ ઈનચાર્જ , શ્રી અતુલ મહેતા – વાઇસ પ્રેસિડેન્ટ – JSG ભરૂચ , શ્રીમતી ફાલ્ગુની શાહ – પ્રોજેક્ટ ઈનચાર્જ, શ્રીમતી મૃગા શાહ – સંગીની પ્રેસિડેન્ટ , શ્રીમતી તોરલબેન શાહ – જોઈન્ટ સેક્રેટરી – JSG ભરૂચ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ અને સહયોગ રહ્યો હતો.

    જૈન સોશિયલ ગ્રુપ–ભરૂચ દ્વારા ભવિષ્યમાં પણ સમાજના વિવિધ વર્ગો માટે આરોગ્ય, શિક્ષણ, જીવદયા તથા મહિલા સશક્તિકરણ ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સતત કરવામાં આવશે.

  • કરજણ તાલુકાના પત્રકારોને પત્રકાર એકતા પરિષદ દ્વારા રૂ. ૧૦ લાખનું વિના મૂલ્યે વીમા કવચ..!!

    કરજણ તાલુકાના પત્રકારોને પત્રકાર એકતા પરિષદ દ્વારા રૂ. ૧૦ લાખનું વિના મૂલ્યે વીમા કવચ..!!

    કરજણ: પત્રકારોના હિત, સુરક્ષા અને કલ્યાણ માટે સતત કાર્યરત પત્રકાર એકતા પરિષદ દ્વારા કરજણ તાલુકાના પત્રકારો માટે સરાહનીય પહેલ કરવામાં આવી છે. સંગઠન દ્વારા તાલુકામાં કાર્યરત પત્રકારોને વિના મૂલ્યે રૂ. ૧૦ લાખનું વીમા કવચ આપવામાં આવ્યું છે.

    આ પ્રસંગે પત્રકાર એકતા પરિષદ કરજણ તાલુકાના પ્રમુખ પત્રકાર ગુલજાર દીવાનની ઉપસ્થિતિમાં પત્રકારોને વીમા કવચ તેમજ આઈ-કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. પત્રકાર ગુલજાર દીવાન, તસ્લીમ પીરાંવાલા, આફાક આગાડી, નિમેષ ચૌહાણ અને પીન્ટુભાઈ વસાવા સહિતના પત્રકારોના વીમા કવચ અને આઈ-કાર્ડ પ્રમુખ ગુલજાર દીવાનને સોંપવામાં આવ્યા હતા.

    અન્ય પત્રકારોને પણ વીમા કવચ સાથે આઈ-કાર્ડ આપવામાં આવ્યા હતા.પત્રકારો સમાજમાં બનતી વિવિધ ઘટનાઓ, સમસ્યાઓ તથા જનહિતના પ્રશ્નોને લોકો અને તંત્ર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સમાચાર સંકલન દરમિયાન પત્રકારોને અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. આવા સંજોગોમાં પત્રકારો અને તેમના પરિવારને આર્થિક સુરક્ષા મળી રહે તે હેતુથી આપવામાં આવેલું રૂ. ૧૦ લાખનું વીમા કવચ મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે.

    પત્રકાર એકતા પરિષદની આ પહેલથી કરજણ તાલુકાના પત્રકારોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. પત્રકારોએ સંગઠનના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરી આ પહેલને આવકારી હતી.

    રિપોર્ટર: તસ્લીમ પીરાંવાલા.

  • ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની ૬૦ દિવસીય વિશેષ ડ્રાઇવનો ઇલાવથી પ્રારંભ.

    ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની ૬૦ દિવસીય વિશેષ ડ્રાઇવનો ઇલાવથી પ્રારંભ.

    ભરૂચ: સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ લોકો સુધી સરળતાથી અને નિઃશુલ્ક કાનૂની સહાય પહોંચાડવાના હેતુથી ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ૬૦ દિવસીય વિશેષ કાનૂની જાગૃતિ ડ્રાઇવનો પ્રારંભ હાંસોટ તાલુકાના ઇલાવ ગામેથી કરવામાં આવ્યો છે.

    NALSA અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશ અનુસાર શરૂ કરાયેલા આ વિશેષ અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં શિબિરો યોજી નાગરિકોને કાનૂની અધિકારો તેમજ NALSAની ૧૩ મુખ્ય જનોપયોગી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવશે.આ અભિયાનનો ઉદ્દેશ્ય માત્ર યોજનાઓની માહિતી આપવાનો જ નહીં, પરંતુ પાત્ર લાભાર્થીઓને ઓળખી તેમને યોજનાઓનો સીધો લાભ અપાવવાનો પણ છે.

    ખાસ કરીને બાળકો, દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો, એસિડ એટેક પીડિતો, માનવ તસ્કરીના ભોગ બનેલા લોકો અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ઉપલબ્ધ કાનૂની સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.આ ઉપરાંત મફત કાનૂની સહાય મેળવવાનો અધિકાર, કાનૂની સલાહ અને માર્ગદર્શન, લોક અદાલત તથા કાનૂની સેવા સત્તા મંડળની વિવિધ સેવાઓ અંગે પણ ગ્રામજનોને માહિતી આપવામાં આવશે.

    આગામી ૬૦ દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાનૂની જાગૃતિ કાર્યક્રમો યોજાશે. ઇલાવ ગામેથી શરૂ થયેલી આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારોના નાગરિકોને તેમના કાનૂની અને બંધારણીય અધિકારો અંગે જાગૃત કરી ન્યાયની પહોંચ દરેક વ્યક્તિ સુધી સરળ અને સુલભ બનાવવાનો છે.

  • JSG Bharuch દ્વારા વિદ્યાર્થી સન્માન, 1 Minute Game Show અને સેવાકીય કાર્યક્રમનું આયોજન.

    JSG Bharuch દ્વારા વિદ્યાર્થી સન્માન, 1 Minute Game Show અને સેવાકીય કાર્યક્રમનું આયોજન.

    ભરૂચ, તા. 30 ઓગસ્ટ 2026:Jain Social Group (JSG) Bharuch દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા તેમજ સભ્યો અને પરિવારોમાં આનંદ, આત્મીયતા અને સમાજસેવાની ભાવના વધારવાના ઉદ્દેશ સાથે Student Felicitation Programme તથા 1 Minute Game Showનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ભરૂચમાં સમાજસેવા માટે હંમેશા અગ્રેસર રહેતા માનનીય શ્રી પરાગભાઈ શેઠ દ્વારા Jain Social Group Bharuchના તમામ સભ્યોને JITO–JATF સંસ્થા તેમજ UPSC સેમિનાર અંગે મહત્વપૂર્ણ માહિતી અને જ્ઞાન આપવામાં આવ્યું હતું. યુવાનોને Civil Services Examination તરફ પ્રોત્સાહિત કરી તેઓ દેશની પ્રતિષ્ઠિત સેવાઓમાં જોડાઈ સમાજ અને રાષ્ટ્રની સેવા કરી શકે તે માટે યોગ્ય માર્ગદર્શન અને જાગૃતિ ફેલાવવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

    કાર્યક્રમમાં ધોરણ-1થી લઈને Graduate, Master Degree, BCA, B.Tech, MBBS સહિત વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા તથા શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

    વિદ્યાર્થીઓને તેમની મહેનત અને સિદ્ધિ બદલ પ્રોત્સાહિત કરી ભવિષ્યમાં વધુ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.વિદ્યાર્થી સન્માન બાદ 1 Minute Game Show યોજાયો હતો, જેમાં બાળકો, યુવાનો તેમજ સભ્યોએ વિવિધ મનોરંજક અને રોચક રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ ગેમ્સના કારણે સમગ્ર કાર્યક્રમનું વાતાવરણ આનંદ અને ઉત્સાહથી ભરાઈ ગયું હતું.

    આ વર્ષે પ્રથમ વખત JSG Bharuch દ્વારા વર્ષીતપના તપસ્વીનું બ્યાસણું કરાવી સેવા કરવાનો અવસર મળ્યો હતો. તપસ્વીની સેવા કરવાનો આ પવિત્ર અવસર JSG પરિવાર માટે વિશેષ ધન્યતાનો પ્રસંગ રહ્યો હતો.કાર્યક્રમ દરમિયાન JSG Bharuch દ્વારા આગામી સમયમાં હાથ ધરાનાર વિવિધ સમાજસેવા અને સેવાકીય પ્રોજેક્ટ્સનું આયોજન પણ સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે Amrit Hospital તરફથી શ્રી નરેન્દ્ર સૈનીજી તથા શ્રી સંકેતજી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન JSG Vice President શ્રી અતુલ મહેતા, Past President શ્રીમતી કવિતા શાહ તથા Joint Treasurer શ્રી અંકિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

    કાર્યક્રમના અંતે JSG Joint Secretary શ્રીમતી તોરલ શાહ દ્વારા Vote of Thanks રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ મહાનુભાવો, અતિથિઓ, સભ્યો, કાર્યકર્તાઓ તથા વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

    અંતે Jain Social Group Bharuchના પ્રમુખ શ્રી યુગેશ શાહ દ્વારા કાર્યક્રમની સફળતા માટે સહયોગ આપનાર તમામ સભ્યો, કાર્યકર્તાઓ, અતિથિઓ તથા વિદ્યાર્થીઓની અનુમોદના કરવામાં આવી હતી.શિક્ષણને પ્રોત્સાહન, વિદ્યાર્થીઓનું સન્માન, યુવાનોમાં Civil Services અંગે જાગૃતિ, સમાજસેવા અને સભ્યો વચ્ચે આત્મીયતા વધારવાના ઉદ્દેશ સાથે આયોજિત આ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

  • છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો.

    છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો.

    અમદાવાદ: માધવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

    ક્રાઈમ બ્રાન્ચની ટીમો નાસતા-ફરતા આરોપીઓની શોધખોળમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

    ક્રાઈમ બ્રાન્ચે તા. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ વિશાલ લખનસિંહ રાજપૂત (ઉંમર ૩૦ વર્ષ), રહે. રેન બસેરા, મેમ્કો બ્રિજ નીચે, મેમ્કો ચાર રસ્તા પાસે, અમદાવાદને ઝડપી પાડ્યો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે માધવપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

    આરોપી વિરુદ્ધ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11191010260205/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 319(2) તથા આઈટી એક્ટની કલમ 66(C), 66(D) મુજબ ગુનો નોંધાયેલો છે.

    પોલીસના જણાવ્યા મુજબ આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. જેમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનના બે તથા સરદારનગર પોલીસ સ્ટેશનના એક ગુનાનો સમાવેશ થાય છે.

  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી: બે પાસા વોન્ટેડ આરોપીઓ ઝડપાયા.

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી: બે પાસા વોન્ટેડ આરોપીઓ ઝડપાયા.

    અમદાવાદ: અમદાવાદ શહેરમાં પ્રોહિબિશન તથા મિલકત સંબંધિત ગુનાઓમાં પાસા હેઠળ કાર્યવાહી કરાયેલા અને ફરાર રહેલા બે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઇસનપુર અને દાણીલીમડા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે.કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ગુનાઓને આધારે ઋત્વિક ભરતભાઈ દવે (ઉ.વ. 24) સામે પ્રોહિબિશનના ગુનાઓ સંદર્ભે પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી.

    પોલીસ કમિશનર દ્વારા તા. 24 ઓગસ્ટ, 2026ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલનો પાસા હુકમ કરવામાં આવ્યો હતો.જ્યારે મોહંમદસોયબ અબ્દુલસમદ ગુલામરસૂલ શેખ (ઉ.વ. 32) સામે મિલકત સંબંધિત ગુનાઓના આધારે પાસાની કાર્યવાહી કરી રાજકોટ મધ્યસ્થ જેલનો હુકમ કરવામાં આવ્યો હતો. બંને આરોપીઓ પાસા હુકમની બજવણીથી બચવા પોલીસથી ફરાર હતા અને પાસા વોન્ટેડ જાહેર થયા હતા.ક્રાઈમ બ્રાન્ચે તા. 30 ઓગસ્ટ, 2026ના રોજ બંને આરોપીઓને ઝડપી પાડી પાસા હુકમની બજવણી માટે કાગડાપીઠ પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

    પોલીસ રેકોર્ડ મુજબ ઋત્વિક દવે સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ બે ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે મોહંમદસોયબ શેખ સામે કાગડાપીઠ, નરોડા સહિતના પોલીસ સ્ટેશનોમાં જુગાર, જી.પી. એક્ટ અને BNS હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું જણાવાયું છે.