

ભરૂચના દહેજ GIDC અને આસપાસના વિસ્તારોમાં પર્યાવરણ સંરક્ષણને લઈને વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે.‘સેવા મારું યોગદાન’ અભિયાન અંતર્ગત દહેજ GIDC તથા આસપાસના વિસ્તારમાં કુલ ૩,૩૩૩ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ શ્રી આર.બી. બારડ અને સભ્ય સચિવ શ્રીમતી દીપાલીબેન ટાંકના માર્ગદર્શન હેઠળ GPCBની પ્રાદેશિક કચેરી ભરૂચ દ્વારા સદભાવના સેવા ફાઉન્ડેશનના સહયોગથી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ શરૂ થયેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક વિસ્તારમાં હરિયાળી વધારવા અને પર્યાવરણની સમતુલા જાળવવાનો છે.આ અભિયાન હેઠળ માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ દહેજ GIDC વિસ્તારમાં સ્વચ્છતા અંગેના વિવિધ જાગૃતિ કાર્યક્રમો અને સફાઈ ઝુંબેશ પણ યોજવામાં આવશે.
આ સંયુક્ત પ્રયાસથી દહેજ ઔદ્યોગિક વસાહત તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણ અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા સાથે સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.





















