
અમદાવાદ શહેરમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્પેશ્યલ પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઘાટલોડિયા વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઘાટલોડિયા ગામમાં રામદેવપીરના મંદિર સામે આવેલા ડભોડીયાવાસ સ્થિત સૂર્યા ફ્લેટના ત્રીજા માળે આવેલા મકાનમાંથી ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો તથા બીયરના ટીન મળી કુલ 576 નંગ, જેની કિંમત રૂ. 1, 61,280 રૂપિયા થાય છે, તે કબજે કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, 62 લીટર દેશી દારૂ, જેની કિંમત રૂ. 12,400 રૂપિયા છે, તે પણ મળી આવ્યો હતો. આમ, પોલીસે કુલ રૂ. 1, 73, 680 રૂપિયાનો દારૂનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E) અને 116(B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ નોંધ મુજબ, આરોપી તરીકે મંજુબેન શૈલેષભાઈ ચુનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે..



















