Nari Prahar

Category: Uncategorized

  • ઘાટલોડિયા વિસ્તારમાંથી રૂ. 1.73 લાખથી વધુનો વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઝડપાયો..

    ઘાટલોડિયા વિસ્તારમાંથી રૂ. 1.73 લાખથી વધુનો વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઝડપાયો..

    અમદાવાદ શહેરમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્પેશ્યલ પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઘાટલોડિયા વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    ઘાટલોડિયા ગામમાં રામદેવપીરના મંદિર સામે આવેલા ડભોડીયાવાસ સ્થિત સૂર્યા ફ્લેટના ત્રીજા માળે આવેલા મકાનમાંથી ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો તથા બીયરના ટીન મળી કુલ 576 નંગ, જેની કિંમત રૂ. 1, 61,280 રૂપિયા થાય છે, તે કબજે કરવામાં આવ્યા હતા.

    આ ઉપરાંત, 62 લીટર દેશી દારૂ, જેની કિંમત રૂ. 12,400 રૂપિયા છે, તે પણ મળી આવ્યો હતો. આમ, પોલીસે કુલ રૂ. 1, 73, 680 રૂપિયાનો દારૂનો મુદ્દામાલ કબજે કર્યો છે.

    આ મામલે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E) અને 116(B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

    પોલીસ નોંધ મુજબ, આરોપી તરીકે મંજુબેન શૈલેષભાઈ ચુનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે..

  • નબીપુર પોલીસ દ્વારા ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો..

    નબીપુર પોલીસ દ્વારા ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો..

    ભરૂચ: રાજ્યમાં માદક પદાર્થોના દુષણ સામે જનજાગૃતિ ફેલાવવા તેમજ “ડ્રગ્સ મુક્ત ગુજરાત”ના સંકલ્પને વધુ અસરકારક બનાવવા નબીપુર પોલીસ સ્ટેશન દ્વારા ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આજરોજ તા. 23 સપ્ટેમ્બર, 2026ના રોજ નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ટી.આર. મોદીની અધ્યક્ષતામાં ઝનોર કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ સાથે કાર્યક્રમ યોજાયો હતો.

    કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થિનીઓને માદક પદાર્થોના સેવનથી થતા શારીરિક, માનસિક તેમજ સામાજિક નુકસાન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સથી દૂર રહેવા, આસપાસના વિસ્તારમાં માદક પદાર્થોના દુષણ સામે જાગૃતિ ફેલાવવા તેમજ નશામુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.

    કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીને ડ્રગ્સના દુષણથી બચાવી તેમાં જાગૃતિ કેળવવાનો રહ્યો હતો.

  • અમદાવાદમાં એમ્બરગ્રીસના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા..!!

    અમદાવાદમાં એમ્બરગ્રીસના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા..!!

    ક્રાઈમ બ્રાન્ચે રૂ.1.05 કરોડથી વધુની કિંમતનો 1.051 કિલો એમ્બરગ્રીસ જપ્ત કર્યો..

    અમદાવાદ: વન્યજીવો અને વનસ્પતિની ગેરકાયદેસર હેરફેર સામે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ઓપરેશન થંડર-2026’ અંતર્ગત અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે.

    આ દરમિયાન નરોડા વિસ્તારમાં વ્હેલ માછલીની ઊલટી તરીકે ઓળખાતા એમ્બરગ્રીસના વેચાણ અને હેરફેર માટે ફરતા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.

    ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ત્રણેય શખ્સો પાસેથી કુલ 1.051 કિલોગ્રામ એમ્બરગ્રીસ, જેની અંદાજિત કિંમત રૂ.1,05,10,000 (એક કરોડ પાંચ લાખ દસ હજાર રૂપિયા) હોવાનું જણાવાયું છે, તે જપ્ત કર્યું છે.

    આ કેસમાં પોલીસે અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ (ઉંમર 46), આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના રોહિણી ગામના રહેવાસી કિરણ ઉર્ફે ભુરાભાઈ સાજણભાઈ ભરવાડ (ઉંમર 25) અને અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા કરણ દિનાનાથ ગોડ (ઉંમર 27)ને ઝડપી પાડ્યા છે.

    વન્યજીવો અને વનસંપદાની ગેરકાયદેસર હેરફેર અટકાવવા માટે હાથ ધરાયેલી આ કાર્યવાહી બાદ ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કરાયેલા મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

  • ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા વિવિધ સ્થળોએ પોષણ ઉત્સવ અંતર્ગત કાર્યક્રમો યોજાયા.

    ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા વિવિધ સ્થળોએ પોષણ ઉત્સવ અંતર્ગત કાર્યક્રમો યોજાયા.

    ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા ભોલાવ, સામલોદ તેમજ વાલિયા તાલુકાના રૂપનગર અને સોડગામ ખાતે આયુર્વેદ, નિદાન સારવાર કેમ્પ, વાનગી સ્પર્ધા અને મિલેટ પ્રદર્શન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ભોલાવ ગામની પ્રાથમિક શાળા ખાતે મેડિકલ ઓફિસર ડો. ક્રિષ્ના ઇલાવ્યા (આયુર્વેદ) અને હોમિયોપેથી મેડિકલ ઓફિસર ડો. કેતન પટેલ દ્વારા શાળાના બાળકોને પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત IEC સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    સામલોદ સબ સેન્ટર ખાતે નિદાન સારવાર કેમ્પ અને પોષણ પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું. જેમાં ગ્રામજનોએ નિદાન સારવારનો લાભ લીધો હતો. ડો. મનીષા વાઢિયા (આયુર્વેદ) અને ડો. સોનાલી પાટીલ (હોમિયોપેથી) દ્વારા પોષણ પ્રવૃત્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

    વાલિયા તાલુકાના રૂપનગર પ્રાથમિક શાળા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર, લુણાના મેડિકલ ઓફિસર ડો. ચિતલ ગાલિયાની અધ્યક્ષતામાં પોષણ ઉત્સવ-2026 અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં આંગણવાડી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ડો. ચિતલ ગાલિયા દ્વારા પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

    આ ઉપરાંત વાલિયા તાલુકાના સોડગામ પ્રાથમિક શાળા ખાતે મિલેટ પ્રદર્શન યોજાયું હતું. જેમાં શાળાના બાળકોને મિલેટના મહત્વ અને તેના પોષણ મૂલ્ય અંગે માહિતી આપવામાં આવી હતી. વિવિધ કાર્યક્રમો દ્વારા બાળકો, આંગણવાડી બહેનો અને ગ્રામજનોમાં પોષણ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

  • જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે PM – વિશ્વકર્મા યોજનાનાં લાભાર્થીઓ માટે બ્રાન્ડીંગ અને માર્કેટીંગ વિષય ઉપર સેમીનાર યોજાયો..

    જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે PM – વિશ્વકર્મા યોજનાનાં લાભાર્થીઓ માટે બ્રાન્ડીંગ અને માર્કેટીંગ વિષય ઉપર સેમીનાર યોજાયો..

    ભારત સરકારનાં એમ.એસ.એમ.ઈ મંત્રાલયનાં અમદાવાદ- ડિ.એફ.ઓ. કચેરી ધ્વારા ભરૂચ જિલ્લાનાં પી.એમ.વિશ્વકર્મા યોજના હેઠળ નોંધાયેલા અને તાલીમ પામેલા લાભાર્થીઓ માટે તેમનાં વ્યવસાયનાં બ્રાંડીગ અને માર્કેટીંગ માટે એક દિવસીય જાગૃતિ સેમીનારનું જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે વિશેષ આયોજન કરાયું હતું.

    આ કાર્યક્રમમાં MSMEનાં મદદનીશ નિયામકશ્રી બ્રિજેશકુમાર સ્વર્ણકર અમદાવાદથી ખાસ ઉપસ્થીત રહ્યા હતાં અને લાભાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતું R-Seti ભરૂચનાં નિયામકશ્રી હરશીલ પાટીલ, પોસ્ટ ઓફીસનાં IPP શ્રી હેત પ્રજાપતી, ડિઆઈસી ભરૂચનાં તોસીફભાઈ તેમજ તજજ્ઞોમાં AI ટૂલનાં જાણકાર શ્રી મિત દેસાઈ, CEDનાં માર્કેટીંગ ટ્રેનર કિન્નરીબેન અમીન, શ્રી ઉમેશભાઈ વગેરે હાજર રહી લાભાર્થીઓને માર્ગદર્શન પૂરૂ પાડયું હતું.

    JSS ભરૂચ દ્વારા હાલ સ્વચ્છતા પખવાડીયું ઉજવાઈ રહ્યુ હોઈ નિયામકશ્રી ઝયનુલ સૈયદ દ્વારા પ્રાસંગીક પ્રવચન સાથે તમામને સ્વચ્છતાનાં શપથ લેવડાવ્યા હતા સમગ્ર કર્યકર્મનું સફળ સંચાલન DPMU સુરત શ્રી ધવલ વિરાણીએ કર્યું હતું..

  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે GPID એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો.

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે GPID એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો.

    અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રાજકોટ ગ્રામ્યના વિરપુર પોલીસ સ્ટેશનના ચીટીંગ તથા GPID એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.

    ક્રાઈમ બ્રાન્ચે રાણીપ વિસ્તારમાં આવેલા ન્યૂ રાણીપ રત્નસાગર હાઇટ્સ પાસેથી રાજુભાઈ ભલુભાઈ ઉર્ફે લાલાભાઈ જાતે મેવાડા (ભરવાડ), ઉંમર 38 વર્ષ, રહે. ન્યૂ મારૂતીનગર સોસાયટી, GST ક્રોસિંગ પાસે, રાણીપ, અમદાવાદ શહેર,ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    આરોપી સામે નોંધાયેલા ગુનાપકડાયેલા આરોપી વિરુદ્ધ રાજકોટ ગ્રામ્યના વિરપુર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 409, 420, 114, પ્રાઇઝ ચિટ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ એક્ટ, 1978ની કલમ 3, 4, 5 તથા GPID એક્ટની કલમ 3 મુજબ ગુનો નોંધાયેલો હોવાનું પોલીસે જણાવાયું છે.

    આ ઉપરાંત આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. જેમાં વડોદરા રાવપુરા, CID ક્રાઈમ વડોદરા ઝોન, CID ક્રાઈમ રાજકોટ ઝોન, સાબરકાંઠાના ઈડર, સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન તથા કેશોદ પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓનો સમાવેશ થાય છે..

  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી..,બનાવટી ડે. મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ખોટી ઓળખ આપી ફરતા આરોપીની બનાવટી આઈડી કાર્ડ સાથે ધરપકડ..!!

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી..,બનાવટી ડે. મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ખોટી ઓળખ આપી ફરતા આરોપીની બનાવટી આઈડી કાર્ડ સાથે ધરપકડ..!!

    અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોતે ડે. મામલતદાર તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, મોડાસા તરીકેની ખોટી ઓળખ આપી ફરતા એક આરોપીને બનાવટી આઈડી કાર્ડ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, તારીખ 20 સપ્ટેમ્બર 2026ના રોજ અમદાવાદના મણિનગર રેલવે ક્રોસિંગ નજીક એક ઈસમ સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી ફરતો હોવાની બાતમી મળતાં ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી.

    તપાસ દરમિયાન આરોપી સરકારી કર્મચારી ન હોવા છતાં ડે. મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, મોડાસાના હોદ્દાનું બનાવટી આઈડી કાર્ડ ધારણ કરી ફરતો મળી આવ્યો હતો.

    પોલીસે આરોપી કિરીટકુમાર ઉર્ફે કે.બી. અમીન (ઉંમર 40 વર્ષ), રહે. ઘોડાસર, અમદાવાદ, મૂળ વતન માલપુર તાલુકાના હેલોદર ગામ, અરવલ્લીની ધરપકડ કરી હતી.

    આરોપી પાસેથી ડે. મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના હોદ્દાનું બનાવટી આઈડી કાર્ડ કબજે કરવામાં આવ્યું છે.

    આ મામલે મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 204 મુજબ ગુનો નોંધાયો છે. આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે મણિનગર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

    પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિરુદ્ધ અગાઉ પણ મણિનગર, હિંમતનગર, ઠાસરા, ડી.સી.બી. અને ધરમપુર પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું જણાવાયું છે.

  • ૨૪ વર્ષથી ફરાર હત્યાના કેસમાં વોન્ટેડ ઇનામી આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.

    ૨૪ વર્ષથી ફરાર હત્યાના કેસમાં વોન્ટેડ ઇનામી આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.

    અમદાવાદ: રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લાના સાદડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા હત્યાના ગુનામાં છેલ્લા ૨૪ વર્ષથી નાસતા ફરતા ઇનામી વોન્ટેડ આરોપીને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

    પોલીસના જણાવ્યા મુજબ, રાજસ્થાનના પાલી જિલ્લાના ડુંગલી ગામમાં પિતૃક મિલકત અને ધંધાના વિવાદને લઈને બે ભાઈઓ વચ્ચે અદાવત ચાલી રહી હતી. આ અદાવતના કારણે આરોપીઓએ દલારામ નાઈ નામના વ્યક્તિની હત્યા કરી હતી.

    હત્યાને અકસ્માતનું સ્વરૂપ આપવા માટે આરોપીઓએ કાવતરું રચ્યું હતું. ૨૪ વર્ષ અગાઉ આરોપીઓ ટાટા સુમો ગાડી લઈને પાલી ગયા હતા. મૃતક મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની મોટરસાયકલને ટક્કર મારી મોત નિપજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીઓ ટાટા સુમો ગાડી ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયા હતા.

    પોલીસ તપાસ અને અગાઉ થયેલી ફરિયાદના આધારે સમગ્ર ઘટનાને લઈને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.આરોપી છેલ્લા ૨૪ વર્ષથી પોતાની ઓળખ છુપાવીને અલગ અલગ સ્થળોએ છૂટક મજૂરી કામ કરતો અને રહેતો હતો.

    અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે ચોક્કસ માહિતી એકત્રિત કરી આરોપીની ઓળખ કરી હતી.

    મળેલી માહિતીના આધારે પોલીસે હત્યાના ગુનામાં વોન્ટેડ અને ઇનામી આરોપી દિનેશભાઈ અમથાભાઈ અરજણભાઈ દેસાઈ, ઉંમર ૫૪ વર્ષ, વ્યવસાય બ્રોકર, રહે. વેજલપુર, અમદાવાદ, મૂળ વતન ઉચરપી ગામ, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠાને ઝડપી પાડ્યો છે.

    પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને સંબંધિત રાજસ્થાનના સાદડી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરવામાં આવી રહી છે.

    ગુનાની વિગતો: રાજસ્થાન રાજ્ય, પાલી જિલ્લા, સાદડી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૩૫/૨૦૦૨, ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨, ૧૨૦(બી), ૪૮૧ અને ૩૦૮ મુજબ ગુનો નોંધાયેલો છે.

  • ભરૂચ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ..

    ભરૂચ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ..

    ભરૂચ: જિલ્લા કલેક્ટર શ્રી નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને આયોજન ભવન ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા સાથે પ્રજાલક્ષી અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

    બેઠક દરમિયાન નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસોના નિકાલ, આગામી બે વર્ષમાં નિવૃત્ત થનારા કર્મચારીઓના પેન્શન કેસો, ગુજરાત તકેદારી આયોગના પત્રો, વિવિધ હેતુ માટે ફાળવાયેલી સરકારી જમીન, એ.જી. ઓડિટના બાકી પેરાઓ તેમજ કલેક્ટર કચેરી તરફથી મોકલાયેલા પત્રોની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

    કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને ઓનલાઈન ડેટા એન્ટ્રી સમયસર પૂર્ણ કરવા તેમજ ઈ-સરકાર પોર્ટલના અસરકારક અમલ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જનસેવા કેન્દ્રની કામગીરી અને વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં નાગરિકોની અરજીઓ અને ફરિયાદોનો સમયસર નિકાલ થાય તે માટે કલેક્ટરશ્રીએ ભાર મૂક્યો હતો.

    લોકપ્રતિનિધિઓ અને પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રજાલક્ષી પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી, બાકી રહેલી ફરિયાદોનો સત્વરે ઉકેલ લાવવા અને સરકારી હુકમોનું ચુસ્તપણે પાલન કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

    બેઠકમાં સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્યો શ્રી રિતેશ વસાવા, શ્રી રમેશ મિસ્ત્રી, શ્રી અરુણસિંહ રાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે, પ્રાયોજના વહીવટદારશ્રી, નિવાસી અધિક કલેક્ટર શ્રી આર.બી. ભોગાયત તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • મહેસાણા: સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, રૂ. 10.13 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો..

    મહેસાણા: સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, રૂ. 10.13 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો..

    મહેસાણા: ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

    મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણા-બાયપાસ રોડ, ઓસિયા મિલની સામે, ડી-માર્ટ સર્કલ પાસે જાહેર રોડ પરથી રેડ કરી હતી.

    રેડ દરમિયાન દારૂ/બીયરની પેટીઓ, બોટલો સહિત વાહન અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 20,43,544નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

    પોલીસની કાર્યવાહી દરમિયાન એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

    આ મામલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સહિતની કલમો અને ભારતીય ન્યાય સંહિતા-2023ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

    પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપી સહિત વોન્ટેડ આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.