Nari Prahar

૨૪ વર્ષથી ફરાર હત્યાના કેસમાં વોન્ટેડ ઇનામી આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.

Written by

in

અમદાવાદ: રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લાના સાદડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા હત્યાના ગુનામાં છેલ્લા ૨૪ વર્ષથી નાસતા ફરતા ઇનામી વોન્ટેડ આરોપીને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, રાજસ્થાનના પાલી જિલ્લાના ડુંગલી ગામમાં પિતૃક મિલકત અને ધંધાના વિવાદને લઈને બે ભાઈઓ વચ્ચે અદાવત ચાલી રહી હતી. આ અદાવતના કારણે આરોપીઓએ દલારામ નાઈ નામના વ્યક્તિની હત્યા કરી હતી.

હત્યાને અકસ્માતનું સ્વરૂપ આપવા માટે આરોપીઓએ કાવતરું રચ્યું હતું. ૨૪ વર્ષ અગાઉ આરોપીઓ ટાટા સુમો ગાડી લઈને પાલી ગયા હતા. મૃતક મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની મોટરસાયકલને ટક્કર મારી મોત નિપજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીઓ ટાટા સુમો ગાડી ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયા હતા.

પોલીસ તપાસ અને અગાઉ થયેલી ફરિયાદના આધારે સમગ્ર ઘટનાને લઈને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.આરોપી છેલ્લા ૨૪ વર્ષથી પોતાની ઓળખ છુપાવીને અલગ અલગ સ્થળોએ છૂટક મજૂરી કામ કરતો અને રહેતો હતો.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે ચોક્કસ માહિતી એકત્રિત કરી આરોપીની ઓળખ કરી હતી.

મળેલી માહિતીના આધારે પોલીસે હત્યાના ગુનામાં વોન્ટેડ અને ઇનામી આરોપી દિનેશભાઈ અમથાભાઈ અરજણભાઈ દેસાઈ, ઉંમર ૫૪ વર્ષ, વ્યવસાય બ્રોકર, રહે. વેજલપુર, અમદાવાદ, મૂળ વતન ઉચરપી ગામ, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠાને ઝડપી પાડ્યો છે.

પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને સંબંધિત રાજસ્થાનના સાદડી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરવામાં આવી રહી છે.

ગુનાની વિગતો: રાજસ્થાન રાજ્ય, પાલી જિલ્લા, સાદડી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૩૫/૨૦૦૨, ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨, ૧૨૦(બી), ૪૮૧ અને ૩૦૮ મુજબ ગુનો નોંધાયેલો છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *