


ભરૂચ: જિલ્લા કલેક્ટર શ્રી નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને આયોજન ભવન ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા સાથે પ્રજાલક્ષી અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસોના નિકાલ, આગામી બે વર્ષમાં નિવૃત્ત થનારા કર્મચારીઓના પેન્શન કેસો, ગુજરાત તકેદારી આયોગના પત્રો, વિવિધ હેતુ માટે ફાળવાયેલી સરકારી જમીન, એ.જી. ઓડિટના બાકી પેરાઓ તેમજ કલેક્ટર કચેરી તરફથી મોકલાયેલા પત્રોની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને ઓનલાઈન ડેટા એન્ટ્રી સમયસર પૂર્ણ કરવા તેમજ ઈ-સરકાર પોર્ટલના અસરકારક અમલ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જનસેવા કેન્દ્રની કામગીરી અને વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં નાગરિકોની અરજીઓ અને ફરિયાદોનો સમયસર નિકાલ થાય તે માટે કલેક્ટરશ્રીએ ભાર મૂક્યો હતો.
લોકપ્રતિનિધિઓ અને પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રજાલક્ષી પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી, બાકી રહેલી ફરિયાદોનો સત્વરે ઉકેલ લાવવા અને સરકારી હુકમોનું ચુસ્તપણે પાલન કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્યો શ્રી રિતેશ વસાવા, શ્રી રમેશ મિસ્ત્રી, શ્રી અરુણસિંહ રાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે, પ્રાયોજના વહીવટદારશ્રી, નિવાસી અધિક કલેક્ટર શ્રી આર.બી. ભોગાયત તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply