Nari Prahar

Blog

  • જૈન સોશિયલ ગ્રુપ સંગીની દ્વારા ચાતુર્માસ સેવાકીય પ્રવૃત્તિ સપ્તાહની ઉજવણી..

    જૈન સોશિયલ ગ્રુપ સંગીની દ્વારા ચાતુર્માસ સેવાકીય પ્રવૃત્તિ સપ્તાહની ઉજવણી..

    ભરૂચ : જૈન સોશિયલ ગ્રુપ સંગીની દ્વારા તા. 15 ઓગસ્ટથી 25 ઓગસ્ટ દરમિયાન પ્રમુખ શ્રીમતી બેન શાહના નેતૃત્વ હેઠળ ચાતુર્માસ સેવાકીય પ્રવૃત્તિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

    પ્રોજેક્ટ ચેરમેન તથા સેક્રેટરી શ્રીમતી મનીષા સરવૈયા અને કમિટીની ટીમના સહયોગથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.તા. 15 ઓગસ્ટના રોજ JSG સાથે મેગા બ્લડ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 41 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. સરકારી કન્યા શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી વિદ્યાર્થીઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

    આ ઉપરાંત ઘાયલ પશુ-પક્ષીઓની તબીબી સારવાર માટે રૂ. 5,500નું દાન આપવામાં આવ્યું હતું. ત્યજાયેલા અને નિરાધાર લોકોની સારવાર માટે સેવાયજ્ઞ સમિતિને રૂ. 11,000નું દાન કરવામાં આવ્યું હતું. જીવદયા અંતર્ગત ત્રણ ગાયોને દત્તક લઈ તેમના ખોરાક તથા તબીબી સારવારના ખર્ચ માટે રૂ. 27,000નું દાન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર સેવાયજ્ઞમાં સંગીની ગ્રુપના સભ્યોનો ફાળો, સહયોગ અને ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી.

    સેવાકીય પ્રવૃત્તિઓને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ સભ્યોનો સંગીની ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

  • અંકલેશ્વર ભાજપ મહિલા મોરચા દ્વારા પોલીસકર્મી ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી..

    અંકલેશ્વર ભાજપ મહિલા મોરચા દ્વારા પોલીસકર્મી ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી..

    અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા મોરચાની બહેનોએ પી.આઈ. ચાવડા સહિત પોલીસકર્મી ભાઈઓને કુમકુમ તિલક કરી રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

    આ પ્રસંગે મહિલા મોરચાના પ્રમુખ દર્શનાબેન ગાંધી સહિત મોરચાની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ વિરલબેન મકવાણા સહિત નગરપાલિકાની વિવિધ સમિતિના મહિલા અધ્યક્ષશ્રીઓ અને મહિલા આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

    મહિલા મોરચાની બહેનોએ દિવસ-રાત સમાજની સુરક્ષા અને રક્ષા માટે ફરજ બજાવતા પોલીસકર્મી ભાઈઓને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી તેમના સુખ, સ્વાસ્થ્ય અને સલામતી માટે પ્રાર્થના કરી હતી. પોલીસકર્મીઓએ પણ મહિલા મોરચાની બહેનોનો આ લાગણીસભર સ્નેહ અને સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

    આ કાર્યક્રમથી પોલીસ અને સમાજ વચ્ચેના ભાઈ-બહેનના લાગણીસભર સંબંધોને વધુ મજબૂતી મળવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

    રિપોર્ટર : વલસાબેન એન. સોલંકી..

  • હાંસોટ : પ્રાથમિક શાળા સાહોલ ખાતે ‘રક્ષાબંધન’ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ..

    હાંસોટ : પ્રાથમિક શાળા સાહોલ ખાતે ‘રક્ષાબંધન’ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ..

    હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ભાઈ-બહેનના અટૂટ પ્રેમ, વિશ્વાસ અને સ્નેહના પવિત્ર પર્વ ‘રક્ષાબંધન’ની ભવ્ય અને ભાવસભર ઉજવણી આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન દ્વારા કરવામાં આવી હતી.”ભાઈ બહેનના પ્રેમનો પર્વ” અંતર્ગત શાળા પરિસરમાં આયોજિત આ ખાસ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે બહેનોએ ભાઈઓના કપાળે તિલક કરી, આરતી ઉતારી રક્ષાસૂત્ર બાંધ્યું હતું અને ભાઈઓએ બહેનોની રક્ષા તેમજ સન્માન કરવાનો પવિત્ર સંકલ્પ લીધો હતો. ‘પ્રેમની દોરીથી રિસ્તો મજબૂત બનાવી, સ્નેહ અને સુરક્ષાનો સંકલ્પ લઈએ’ તેવા ઉમદા આશય સાથે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક પરિવારના ટીમવર્કથી કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે શાળાના તમામ શિક્ષકગણે ઉપસ્થિત રહીને બાળકોના આ પવિત્ર સંબંધને બિરદાવ્યો હતો તેમજ કાર્યક્રમમાં સહભાગી થઈ તેને સફળ બનાવનાર તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. બાળકોના ચહેરા પરના આનંદ સાથે આ ઉજવણી સંપન્ન થઈ હતી.

    રિપોર્ટર : વલસાબેન એન. સોલંકી.

  • મરિયમબેન મેમોરિયલ હાઈસ્કૂલ, ઈખર ખાતે NSS વૃક્ષારોપણ અને શાળા પરિસર સુશોભન કાર્યક્રમ..

    મરિયમબેન મેમોરિયલ હાઈસ્કૂલ, ઈખર ખાતે NSS વૃક્ષારોપણ અને શાળા પરિસર સુશોભન કાર્યક્રમ..

    ઈખર, તા. 24/08/2026: મરિયમબેન મેમોરિયલ હાઈસ્કૂલ, ઈખર ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમ દ્વારા શાળા પરિસરને વધુ હરિયાળું, સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી વૃક્ષારોપણ તથા ફૂલછોડ વાવેતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    કાર્યક્રમ અંતર્ગત કરજણની શિવ શક્તિ નર્સરીમાંથી વિવિધ પ્રકારના ફૂલછોડ તથા શોભાના છોડ લાવી શાળા પરિસરના યોગ્ય સ્થળોએ વાવવામાં આવ્યા હતા.

    NSS સ્વયંસેવકો, શિક્ષકો તથા પટાવાળા ભાઈએ ઉત્સાહપૂર્વક સહભાગી બની વાવેતર અને પરિસર સુશોભનની કામગીરીમાં સહયોગ આપ્યો હતો.

    શાળાના આચાર્યશ્રી એમ. એ. પટેલે સમગ્ર કાર્યક્રમને પ્રોત્સાહન આપી વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષોની જાળવણી અને શાળા પરિસરને સ્વચ્છ તથા હરિયાળું રાખવા માટે પ્રેરિત કર્યા હતા. વિદ્યાર્થીઓને વાવેતર કરાયેલા છોડની નિયમિત સંભાળ અને માવજત કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

    આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ જાગૃતિ, પ્રકૃતિપ્રેમ, શ્રમની પ્રતિષ્ઠા અને સામૂહિક જવાબદારી જેવા મૂલ્યો કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું આયોજન અને સંચાલન NSS ઓફિસરશ્રી બોડા મુસ્તકીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

    આચાર્યશ્રીના પ્રોત્સાહન, NSS ઓફિસરશ્રીના કુશળ સંચાલન, પટાવાળા વોરાજી એસ. વાય,NSS સ્વયંસેવકો, શિક્ષકોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

    રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા..

  • છોટા ઉદેપુરની શિફા હુસેનશબ્બીર મફતની આકાશને આંબતી સફર…

    છોટા ઉદેપુરની શિફા હુસેનશબ્બીર મફતની આકાશને આંબતી સફર…

    મહેનત, હિંમત અને સપનાની ઉડાનથી પાઇલટ બનવાનું સપનું સાકાર કર્યું.

    છોટા ઉદેપુરની ધરતી પર અનેક પ્રતિભાઓએ પોતાની મહેનત અને કૌશલ્યથી નવી ઓળખ ઉભી કરી છે. આવી જ એક પ્રેરણાદાયી કહાની છે શિફા હુસેનશબ્બીર મફતની, જેમણે શિક્ષણ, સંઘર્ષ અને સતત મહેનતના બળે પાઇલટ બનવાનું પોતાનું સપનું સાકાર કર્યું છે.

    શિફાએ પોતાના શાળાકીય શિક્ષણની શરૂઆત છોટા ઉદેપુરથી કરી હતી. ત્યારબાદ તેઓ ઉચ્ચ શિક્ષણ માટે UAE ગયા, જ્યાં તેમણે હાઈસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહ સાથે 10+2નું શિક્ષણ પૂર્ણ કર્યું.નાનપણથી જ આકાશમાં ઉડાન ભરવાનું સપનું ધરાવતી શિફાએ પોતાના લક્ષ્યને સાકાર કરવા માટે એવિએશન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો અને આગળના અભ્યાસ તથા પાઇલટ તાલીમ માટે ગ્રીસનો રસ્તો પસંદ કર્યો.ગ્રીસમાં તેમણે ATPL(A) મેળવવા માટે જરૂરી તાલીમ લીધી. ખાસ વાત એ છે કે પાઇલટની તાલીમ સાથે તેમણે પોતાનો સ્નાતકનો ઓનલાઈન અભ્યાસ પણ સતત ચાલુ રાખ્યો. એકસાથે બે જવાબદારીઓ નિભાવવી સરળ નહોતી, પરંતુ શિફાની મહેનત, શિસ્ત અને અડગ મનોબળે તેમને સતત આગળ વધાર્યા.

    આજે શિફા 227 કલાકથી વધુનો ફ્લાઇટ અનુભવ મેળવી ચૂકી છે અને 5થી વધુ પ્રકારના એરક્રાફ્ટ પર અનુભવ પ્રાપ્ત કરી ચૂકી છે. તેમની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ છોટા ઉદેપુરના યુવાનો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે.છોટા ઉદેપુરથી શરૂ થયેલી સફર UAE સુધી પહોંચી, UAEથી ગ્રીસ સુધી ગઈ અને અંતે આકાશમાં પોતાની ઓળખ બનાવી.શિફાની કહાની એ સાબિત કરે છે કે સપના જોવાની સાથે તેને સાકાર કરવાની હિંમત અને સતત મહેનત હોય તો કોઈપણ અંતર કે પરિસ્થિતિ સફળતાના માર્ગમાં કાયમી અવરોધ બની શકતી નથી.

    “સપના મોટા હોય તો અંતર ક્યારેય અવરોધ બનતું નથી; મહેનત અને હિંમત હોય તો આકાશ પણ મર્યાદા નથી.”

    રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા..

  • આણંદ રૂરલ પોલીસની હદમાંથી ડુપ્લિકેટ ઈંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપાયો.

    આણંદ રૂરલ પોલીસની હદમાંથી ડુપ્લિકેટ ઈંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપાયો.

    આણંદ જિલ્લામાં ગેરકાયદેસર દારૂ-જુગારની પ્રવૃત્તિઓ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે નજીક ભાલેજ-આણંદ રોડ પર અપ્પુવે બ્રિજ આગળ જાહેર રોડ પર દરોડો પાડ્યો હતો.

    દરોડા દરમિયાન ભારતીય બનાવટના દારૂ/બીયરની આશરે ૧૫૦ પેટી અને ૭,૧૮૭ બોટલ મળી આવી હતી. દારૂની કિંમત રૂ. ૧૯,૬૩,૧૫૧ હોવાનું જણાવાયું છે, જ્યારે અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. ૩૪,૬૯,૬૨૧નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપી સહિત કુલ છ આરોપીઓ સામે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

    ઝડપાયેલા આરોપીની ઓળખ સાયલા તાલુકાના કાનપુર ગામના નારણભાઈ ઉર્ફે અતુલ ઘૂસાભાઈ ચૌહાણ તરીકે થઈ છે. વોન્ટેડ આરોપીઓમાં ભાવેશભાઈ સુરાભાઈ માતાસુરિયા, ટ્રક નંબર GJ-03-AT-4818નો માલિક તેમજ નાસિકથી દારૂનો જથ્થો ભરી આપનાર અને મોકલનાર અન્ય ત્રણ આરોપીઓનો સમાવેશ થાય છે.

    સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહી બાદ દારૂના જથ્થાના સ્ત્રોત અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  • ઓટોરિક્ષામાં પેસેન્જર બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ..

    ઓટોરિક્ષામાં પેસેન્જર બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ..

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓટોરિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમની નજર ચૂકવી થેલામાંથી કિંમતી સામાન ચોરી કરતી ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે.

    પોલીસે આરોપીઓ પાસેથી સોનાની રુદ્રાક્ષ માળા, સોનાની વીંટી, બે મોબાઇલ ફોન અને ચોરીમાં વપરાયેલી સીએનજી ઓટોરિક્ષા સહિત કુલ રૂ. 2.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.ક્રાઈમ બ્રાન્ચની ટીમ 21 ઓગસ્ટે અમદાવાદ શહેર વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતી.

    દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે દાણીલીમડા વિસ્તારમાંથી ચાર આરોપીઓ—મોહમ્મદ બિલાલ ઉર્ફે અઝીમ ઉર્ફે પટવા મોહમ્મદ ઇરશાદ રંગરેજ, અરબાઝ ઉર્ફે જીરૂ ફિરોઝભાઈ શેખ, મોહમ્મદઅલી ઉર્ફે અલી મહેમુદઅલી રંગરેજ અને ઈરફાન ઉર્ફે ભોલા અહેમદમિયાં શેખ—ને ઝડપી પાડ્યા હતા.

    પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પેસેન્જરોને ઓટોરિક્ષામાં બેસાડતા અને મુસાફરી દરમિયાન તેમની નજર ચૂકવી થેલામાંથી પર્સ તથા કિંમતી વસ્તુઓ ચોરી લેતા હતા. ત્યારબાદ પેસેન્જરોને રસ્તામાં ઉતારી ફરાર થઈ જતા હતા.પૂછપરછ દરમિયાન આરોપીઓએ બે ગુનાઓમાં સંડોવણી કબૂલ્યાનું પોલીસે જણાવ્યું છે. 16 ઓગસ્ટની રાત્રે ગીતામંદિર એસટી સ્ટેન્ડ પરથી એક મહિલાને લાંભા જવા માટે ઓટોરિક્ષામાં બેસાડવામાં આવી હતી. રસ્તામાં તેની નજર ચૂકવી થેલામાંથી પર્સ ચોરી લેવામાં આવ્યું હતું. પર્સમાંથી ચાંદીની પાયલ અને રૂ. 20 હજાર રોકડા ચોરાયા હતા. મહિલાને નારોલ સર્કલ પાસે ઉતારી દેવામાં આવી હતી.

    આ ઉપરાંત, 18 ઓગસ્ટે સવારે હાથીજણ સર્કલ પાસેથી એક ઉંમરલાયક દંપતી અને બાળકને ઓટોરિક્ષામાં બેસાડવામાં આવ્યા હતા. આ દરમિયાન મહિલાના થેલામાંથી સોનાની રુદ્રાક્ષ માળા અને સોનાની વીંટી ચોરી લેવામાં આવી હતી. પેસેન્જરોને મહેમદાબાદ રોડ પર ઉતારી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

    પોલીસે આરોપીઓ પાસેથી આશરે રૂ. 2 લાખની સોનાની રુદ્રાક્ષ માળા, રૂ. 15 હજારની સોનાની વીંટી, બે મોબાઇલ ફોન અને રૂ. 50 હજારની કિંમતની સીએનજી ઓટોરિક્ષા નંબર GJ-27-Y-2034 કબજે કરી છે.આરોપીઓમાંથી અરબાઝ ઉર્ફે જીરૂ સામે ગાંધીનગરના કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયેલો છે. જ્યારે મોહમ્મદઅલી ઉર્ફે અલી મહેમુદઅલી સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અગાઉનો ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

    ચારેય આરોપીઓની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 35(1)(ઇ) મુજબ ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

  • નડીયાદના પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપી અમદાવાદમાંથી ઝડપાયો.

    નડીયાદના પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપી અમદાવાદમાંથી ઝડપાયો.

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપીને અમદાવાદના ઇસનપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.ક્રાઈમ બ્રાન્ચની ટીમો નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસમાં હતી.

    દરમિયાન મળેલી બાતમીના આધારે નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ગુના નંબર 11204046260561/2026માં વોન્ટેડ આરોપી રણજીતસિંહ નૈનસિંહ ચૌહાણ ઉર્ફે દરબાર, ઉંમર 51 વર્ષ, રહે. ઇસનપુર, અમદાવાદ શહેરને તા. 22 ઓગસ્ટ 2026ના રોજ ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે નડીયાદ ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે.

    પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઇ), 81 અને 98(2) હેઠળ ગુનો નોંધાયેલો છે. આરોપી સામે ઇસનપુર અને વટવા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2014થી 2025 દરમિયાન પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ 10 ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.

    આ ઉપરાંત આરોપી સામે વર્ષ 2016 અને 2024માં કુલ બે વખત પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે.

  • અમદાવાદ શહેરમાં એનડીપીએસ અને પાસા હેઠળના ગુનાઓમાં વોન્ટેડ ત્રણ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

    અમદાવાદ શહેરમાં એનડીપીએસ અને પાસા હેઠળના ગુનાઓમાં વોન્ટેડ ત્રણ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

    અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા.

    ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ગુનામાં પાસા હેઠળ વોન્ટેડ આરોપી સરફુદ્દીન ઉર્ફે સરફરાજ કમરૂદ્દીન શેખસિપાઈને 15 ઓગસ્ટે ઝડપી પાડ્યો હતો. આરોપી સામે અગાઉ પણ કાગડાપીઠ અને પાલડી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

    આ ઉપરાંત કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ 8(સી), 21(સી) અને 29 હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા એક મહિનાથી નાસતા ફરતા હિરેન ઉર્ફે કૈફ જગદીશચંદ્ર ચૌહાણને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીને આગળની તપાસ માટે કાગડાપીઠ પોલીસને સોંપવામાં આવ્યો છે.

    જ્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ 8(સી), 20(બી)(ii)(એ) અને 29 હેઠળના ગુનામાં વોન્ટેડ આરોપી અમઝાખાન ઉર્ફે હમઝાખાન બારમખાન ઉર્ફે બાલમખાન પઠાણને 21 ઓગસ્ટે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સામે અગાઉ પણ કાગડાપીઠ તથા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

    ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.

  • દિલ્હી જામીયાનગરની ચોરીનો અનડીટેક્ટ ગુનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો..

    દિલ્હી જામીયાનગરની ચોરીનો અનડીટેક્ટ ગુનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો..

    અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી જામીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મે-2026 દરમિયાન થયેલી ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે.

    મળતી માહિતી મુજબ, દિલ્હીના જામીયાનગર વિસ્તારમાં આવેલા બાટલા હાઉસ ખાતે બપોરના સમયે તિજોરીની ચાવી બનાવી આપવાના બહાને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. આ અંગે જામીયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

    ગુનાની તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી કિર્તિપાલસિંહ સરદારસિંહ ચીખલીગર (ઉંમર 42 વર્ષ), રહે. વડોદરા,ને નારોલ સર્કલ નજીક અસલાલી તરફ જવાના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો. આરોપીને વધુ કાર્યવાહી માટે દિલ્હી જામીયાનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

    પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા આરોપી વિરુદ્ધ દિલ્હીના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ચોરીના 10 ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત, તેલંગાણાના હૈદરાબાદ શહેરમાં પણ ચોરીના ગુનામાં આરોપી ઝડપાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.