Nari Prahar

15 વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો..

Written by

in

અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટોપ-10 નાસતા ફરતા આરોપીઓ પૈકી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2011થી અલગ અલગ ચાર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે સરખેજ રોડ પર સોનલ સિનેમા ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યો છે.

ઝડપાયેલ આરોપીની ઓળખ સાહીદઅલી ઉર્ફે રાજુ, ઉંમર 53 વર્ષ, તરીકે થઈ છે. આરોપી મૂળ સાબરકાંઠા જિલ્લાના ઓરણ ગામનો રહેવાસી છે અને હાલ હૈદરાબાદ, તેલંગાણા ખાતે રહેતો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ 2011-12 દરમિયાન વડોદરા શહેરમાં ઠગાઈ કરવાના ઇરાદે અલિયા એન્ટરપ્રાઇઝ અને કે.એસ.પી. નામની કંપનીઓ બનાવી હતી. આ કંપનીઓમાં રોકાણ કરનાર લોકોને 10 મહિનામાં રકમ બમણી કરી આપવાની લાલચ આપી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી પાંચ કરોડ રૂપિયાથી વધુની રકમ મેળવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાના આરોપસર વડોદરા શહેરમાં અલગ અલગ ગુનાઓ નોંધાયા હતા.

ગુનાઓ નોંધાયા બાદ આરોપી પોતાની ધરપકડ ટાળવા પરિવાર સાથે તેલંગાણા રાજ્યના હૈદરાબાદ શહેરમાં જઈને રહેવા લાગ્યો હતો. વર્ષ 2011થી આરોપીની ધરપકડ થઈ ન હતી. આ દરમિયાન આરોપી તરીકે દર્શાવાયેલા તેના માતા-પિતાનું અવસાન પણ થયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આરોપી વિરુદ્ધ વડોદરા શહેરના ડી.સી.બી. પોલીસ સ્ટેશન તથા જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ચાર ગુનાઓ નોંધાયેલા છે. આરોપીને આગળની કાર્યવાહી માટે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *