Nari Prahar

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી..,બનાવટી ડે. મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ખોટી ઓળખ આપી ફરતા આરોપીની બનાવટી આઈડી કાર્ડ સાથે ધરપકડ..!!

Written by

in

અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોતે ડે. મામલતદાર તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, મોડાસા તરીકેની ખોટી ઓળખ આપી ફરતા એક આરોપીને બનાવટી આઈડી કાર્ડ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તારીખ 20 સપ્ટેમ્બર 2026ના રોજ અમદાવાદના મણિનગર રેલવે ક્રોસિંગ નજીક એક ઈસમ સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી ફરતો હોવાની બાતમી મળતાં ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસ દરમિયાન આરોપી સરકારી કર્મચારી ન હોવા છતાં ડે. મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, મોડાસાના હોદ્દાનું બનાવટી આઈડી કાર્ડ ધારણ કરી ફરતો મળી આવ્યો હતો.

પોલીસે આરોપી કિરીટકુમાર ઉર્ફે કે.બી. અમીન (ઉંમર 40 વર્ષ), રહે. ઘોડાસર, અમદાવાદ, મૂળ વતન માલપુર તાલુકાના હેલોદર ગામ, અરવલ્લીની ધરપકડ કરી હતી.

આરોપી પાસેથી ડે. મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના હોદ્દાનું બનાવટી આઈડી કાર્ડ કબજે કરવામાં આવ્યું છે.

આ મામલે મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 204 મુજબ ગુનો નોંધાયો છે. આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે મણિનગર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિરુદ્ધ અગાઉ પણ મણિનગર, હિંમતનગર, ઠાસરા, ડી.સી.બી. અને ધરમપુર પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું જણાવાયું છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *