
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓટોરિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમની નજર ચૂકવી થેલામાંથી કિંમતી સામાન ચોરી કરતી ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે.
પોલીસે આરોપીઓ પાસેથી સોનાની રુદ્રાક્ષ માળા, સોનાની વીંટી, બે મોબાઇલ ફોન અને ચોરીમાં વપરાયેલી સીએનજી ઓટોરિક્ષા સહિત કુલ રૂ. 2.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.ક્રાઈમ બ્રાન્ચની ટીમ 21 ઓગસ્ટે અમદાવાદ શહેર વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે દાણીલીમડા વિસ્તારમાંથી ચાર આરોપીઓ—મોહમ્મદ બિલાલ ઉર્ફે અઝીમ ઉર્ફે પટવા મોહમ્મદ ઇરશાદ રંગરેજ, અરબાઝ ઉર્ફે જીરૂ ફિરોઝભાઈ શેખ, મોહમ્મદઅલી ઉર્ફે અલી મહેમુદઅલી રંગરેજ અને ઈરફાન ઉર્ફે ભોલા અહેમદમિયાં શેખ—ને ઝડપી પાડ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પેસેન્જરોને ઓટોરિક્ષામાં બેસાડતા અને મુસાફરી દરમિયાન તેમની નજર ચૂકવી થેલામાંથી પર્સ તથા કિંમતી વસ્તુઓ ચોરી લેતા હતા. ત્યારબાદ પેસેન્જરોને રસ્તામાં ઉતારી ફરાર થઈ જતા હતા.પૂછપરછ દરમિયાન આરોપીઓએ બે ગુનાઓમાં સંડોવણી કબૂલ્યાનું પોલીસે જણાવ્યું છે. 16 ઓગસ્ટની રાત્રે ગીતામંદિર એસટી સ્ટેન્ડ પરથી એક મહિલાને લાંભા જવા માટે ઓટોરિક્ષામાં બેસાડવામાં આવી હતી. રસ્તામાં તેની નજર ચૂકવી થેલામાંથી પર્સ ચોરી લેવામાં આવ્યું હતું. પર્સમાંથી ચાંદીની પાયલ અને રૂ. 20 હજાર રોકડા ચોરાયા હતા. મહિલાને નારોલ સર્કલ પાસે ઉતારી દેવામાં આવી હતી.
આ ઉપરાંત, 18 ઓગસ્ટે સવારે હાથીજણ સર્કલ પાસેથી એક ઉંમરલાયક દંપતી અને બાળકને ઓટોરિક્ષામાં બેસાડવામાં આવ્યા હતા. આ દરમિયાન મહિલાના થેલામાંથી સોનાની રુદ્રાક્ષ માળા અને સોનાની વીંટી ચોરી લેવામાં આવી હતી. પેસેન્જરોને મહેમદાબાદ રોડ પર ઉતારી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી આશરે રૂ. 2 લાખની સોનાની રુદ્રાક્ષ માળા, રૂ. 15 હજારની સોનાની વીંટી, બે મોબાઇલ ફોન અને રૂ. 50 હજારની કિંમતની સીએનજી ઓટોરિક્ષા નંબર GJ-27-Y-2034 કબજે કરી છે.આરોપીઓમાંથી અરબાઝ ઉર્ફે જીરૂ સામે ગાંધીનગરના કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયેલો છે. જ્યારે મોહમ્મદઅલી ઉર્ફે અલી મહેમુદઅલી સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અગાઉનો ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ચારેય આરોપીઓની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 35(1)(ઇ) મુજબ ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply