
અમદાવાદ: અમદાવાદ શહેરના વટવા અને નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા અને પાસા હેઠળ અટકાયતના હુકમ બાદ ફરાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી જાકીરહુસેન મુસ્તાકહુસેન શેખ (ઉં.વ. 48) સામે નરોડા પોલીસ સ્ટેશનમાંથી પાસાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તા. 11 જૂન, 2026ના રોજ પાસા હુકમ કરી આરોપીને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો.પાસા અટકાયત હુકમની બજવણી કરવાની હોવાથી પોલીસ આરોપીની શોધખોળ કરી રહી હતી. દરમિયાન આરોપી પોલીસથી ભાગતો ફરતો હતો અને પાસા વોન્ટેડ જાહેર થયો હતો. ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડી પાસા હુકમની બજવણી કરવા નરોડા પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022નો, નારોલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023નો તેમજ નરોડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2026ના બે ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.
