
કરજણ: પત્રકારોના હિત, સુરક્ષા અને કલ્યાણ માટે સતત કાર્યરત પત્રકાર એકતા પરિષદ દ્વારા કરજણ તાલુકાના પત્રકારો માટે સરાહનીય પહેલ કરવામાં આવી છે. સંગઠન દ્વારા તાલુકામાં કાર્યરત પત્રકારોને વિના મૂલ્યે રૂ. ૧૦ લાખનું વીમા કવચ આપવામાં આવ્યું છે.
આ પ્રસંગે પત્રકાર એકતા પરિષદ કરજણ તાલુકાના પ્રમુખ પત્રકાર ગુલજાર દીવાનની ઉપસ્થિતિમાં પત્રકારોને વીમા કવચ તેમજ આઈ-કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. પત્રકાર ગુલજાર દીવાન, તસ્લીમ પીરાંવાલા, આફાક આગાડી, નિમેષ ચૌહાણ અને પીન્ટુભાઈ વસાવા સહિતના પત્રકારોના વીમા કવચ અને આઈ-કાર્ડ પ્રમુખ ગુલજાર દીવાનને સોંપવામાં આવ્યા હતા.
અન્ય પત્રકારોને પણ વીમા કવચ સાથે આઈ-કાર્ડ આપવામાં આવ્યા હતા.પત્રકારો સમાજમાં બનતી વિવિધ ઘટનાઓ, સમસ્યાઓ તથા જનહિતના પ્રશ્નોને લોકો અને તંત્ર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સમાચાર સંકલન દરમિયાન પત્રકારોને અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. આવા સંજોગોમાં પત્રકારો અને તેમના પરિવારને આર્થિક સુરક્ષા મળી રહે તે હેતુથી આપવામાં આવેલું રૂ. ૧૦ લાખનું વીમા કવચ મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે.
પત્રકાર એકતા પરિષદની આ પહેલથી કરજણ તાલુકાના પત્રકારોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. પત્રકારોએ સંગઠનના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરી આ પહેલને આવકારી હતી.
રિપોર્ટર: તસ્લીમ પીરાંવાલા.

Leave a Reply