Nari Prahar

ભરૂચમાં ‘સેવા જ્યોતિ યાત્રા’ની પૂર્વ તૈયારી અંગે સમીક્ષા બેઠક..!!

Written by

in

ભરૂચ: ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત આગામી તા. ૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે ‘સેવા જ્યોતિ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમના સુચારૂ આયોજન અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર કચેરીના વીસી હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સંગઠનના હોદ્દેદારોની સંયુક્ત બેઠક યોજાઈ હતી.

બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા, સ્થળ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા, પાર્કિંગ, બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, ફૂડ પેકેટ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની વિવિધ વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી માઇક્રો-પ્લાનિંગ અંગેની વિગતો મેળવી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

‘સેવા જ્યોતિ યાત્રા’ના કાર્યક્રમમાં વિવિધ એનજીઓ, પ્રબુદ્ધ નાગરિકો, પદ્મ એવોર્ડ વિજેતાઓ, રાષ્ટ્ર અને રાજ્ય કક્ષાના એવોર્ડ વિજેતાઓ, સામાજિક આગેવાનો, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રતિનિધિઓ તેમજ છેલ્લા ૨૫ વર્ષ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, યોગ બોર્ડ સહિત તાલુકા અને જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

આ બેઠક દરમિયાન ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રીએ પણ કાર્યક્રમના આયોજન અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો આપ્યા હતા.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઈ કાપસે, જિલ્લા અધિક કલેક્ટરશ્રી આર.બી. ભોગાયતા, જિલ્લા પોલીસવડા શ્રી અક્ષયરાજ મકવાણા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ જિલ્લા સંગઠનના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *