Nari Prahar

અંકલેશ્વર સ્થિત નિરાંતનગર સોસાયટીના નિલેશભાઈ સોલંકી પરિવારે ઘરે જ માટીના ગણેશજીનું વિસર્જન કરી પર્યાવરણ રક્ષાનો સંદેશ આપ્યો.

Written by

in

અંકલેશ્વર:ગણેશોત્સવના પવિત્ર તહેવારની સમગ્ર દેશ સાથે અંકલેશ્વરમાં પણ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અંકલેશ્વરના નિરાંતનગર સોસાયટી ખાતે રહેતા નિલેશભાઈ સોલંકી અને તેમના સમગ્ર પરિવારે ચાલુ વર્ષે એક પ્રેરણાદાયી અને પર્યાવરણપ્રેમી અભિગમ અપનાવ્યો છે.

સોલંકી પરિવારે પોતાના ઘરે સ્થાપિત કરવામાં આવેલા પવિત્ર માટીના ગણપતિજીનું વિસર્જન નદી કે તળાવમાં કરવાને બદલે પોતાના ઘરે જ ભક્તિભાવપૂર્વક કર્યું હતું.

પર્યાવરણની જાળવણી અને જળ પ્રદૂષણ અટકાવવાના ઉમદા આશય સાથે નિલેશભાઈ સોલંકી અને સમગ્ર પરિવાર દ્વારા આ વર્ષે માટી (ઇકો-ફ્રેન્ડલી)ના ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપનાના દિવસો દરમિયાન પરિવારના સભ્યોએ શ્રદ્ધાપૂર્વક બાપાની પૂજા-અર્ચના અને આરતી કરી હતી. ત્યારબાદ વિસર્જનના દિવસે પણ ગોર મહારાજ હરીશભાઈ પુરોહિત દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને કપૂર આરતી સાથે ગણેશજીને વિદાય આપવામાં આવી હતી.

પરિવારે ઘરના આંગણે જ એક મોટા પાત્રમાં પાણી ભરીને વિસર્જનની વિધિ સંપન્ન કરી હતી. આ વિસર્જન બાદ એકત્રિત થયેલી પવિત્ર માટી અને પાણીનો ઉપયોગ ઘરના છોડ અને બગીચામાં ખાતર તરીકે કરવામાં આવશે.આ પ્રસંગે નિલેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, “ગણેશજી પ્રકૃતિના દેવ છે.

પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)ની મૂર્તિઓથી જળસ્ત્રોતો પ્રદૂષિત થાય છે અને જળચર જીવોને નુકસાન પહોંચે છે. તેથી અમારા સમગ્ર પરિવારે માટીના ગણેશજી લાવીને ઘરે જ વિસર્જન કરવાનો નિર્ણય કર્યો હતો, જેથી ધાર્મિક આસ્થા પણ જળવાઈ રહે અને પ્રકૃતિનું પણ રક્ષણ થાય.”નિલેશભાઈ સોલંકી પરિવારના આ સરાહનીય પગલાંને સોસાયટીના અન્ય રહીશોએ પણ બિરદાવ્યું છે.

આ નાનકડો પણ મહત્વપૂર્ણ પ્રયાસ સમાજના અન્ય લોકો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે આપણે આપણી પરંપરાઓ અને પર્યાવરણ બંનેને એકસાથે સાચવી શકીએ છીએ.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *